પોરબંદર જિલ્લામાં 22 સ્થળો રેડ અને યલ્લો ઝોન થયા જાહેર

31મી ઓગસ્ટ સુધી ડ્રોનના ઉપયોગ ઉપર મૂકવામાં આવ્યો પ્રતિબંધ: નિયમનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

પોરબંદર જિલ્લામાં 22 સ્થળો રેડ અને યલ્લો ઝોન જાહેર થયા છે જ્યાં 31મી ઓગસ્ટ સુધી ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
પોરબંદર જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય સુરક્ષા તથા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સંવેદનશીલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલા આવા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલ્લો ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ સંકલિત માહિતીના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી. મિયાત્રા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સમગ્ર પોરબંદર જિલ્લામાં કુલ 22 સંવેદનશીલ સ્થળોમાંથી 7 સ્થળોને રેડ ઝોન અને 15 સ્થળોને યલ્લો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ રેડ ઝોન અને યલ્લો ઝોન જાહેર કરેલા વિસ્તારોમાં રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને યલ્લો ઝોનમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કરાયો છે તેમજ ઓફીસ ઓફ ડીરેકટર જનરલ ઓફ સીવીલ એવીએશનના પત્રમાં દર્શાવેલી જોગવાઈઓની અમલવારી કરવાની રહેશે.આ જાહેરનામું તા.31/08/2026 (આ જાહેરનામું બીજો હુકમ થતાં) સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ઉલ્લઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે.

આ સાત સ્થળ રેડ અને પંદર સ્થળ યલ્લો ઝોન
પોરબંદરમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ અને યલ્લો ઝોનના બાવીસ સ્થળો વિષે વધુ વિગત જાહેર કરવામાં આવી છે જેમાં સાત સ્થળને રેડઝોન દર્શાવાયા છે. જેમાં પોરબંદરની ખાસ જેલ,ઓલવેધર પોર્ટ, વિસાવાડાનું 66 કે.વી. સબસ્ટેશન, જાવરનો સુપરગેસનો પ્લાન્ટ, પોરબંદરનું એરપોર્ટ, બોખીરાનું નેવલ બેઈઝ અને કોસ્ટગાર્ડ ડિસ્ટ્રીકટ હેડકવાર્ટર નંબર -1ને રેડઝોનમાં સમાવાયા છે જ્યારે 15 યલ્લો ઝોનમાં પોરબંદરની જિલ્લા કોર્ટ, જિલ્લા પોલીસ વડાની ઓફિસ, કલેકટરની ઓફિસ,ચીકાસા રોડ ઉપર આવેલો ભાદર બ્રીજ,બસસ્ટેશન, રેલ્વે સ્ટેશન, સાન્દીપનિ શ્રીહરિમંદિર, ગાંધીજન્મસ્થાન કીર્તિમંદિર, સરકારી ભાવસિંહજી હોસ્પિટલ, નિરમા ફેકટરી સામે આવેલ દીવાદાંડી, બરડા ડુંગરનો ખંભાળા ડેમ, ઇન્દિરા નગર નજીકનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન, પોરબંદર પોલીસનુ હેડકવાર્ટર, રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ કંપની અને પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ