વાહનોને નુકસાન કરવાની સાથોસાથ લોકોના જીવ ઉપર પણ સર્જે છે જોખમ
પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં ભટકતા પશુઓનો ત્રાસ વધ્યો છે.
પોરબંદરના ઠક્કર પ્લોટ શેરી નં.4 ખાતે અક્સા જનરલ સ્ટોર નજીક રખડતા પશુનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોવાનું સ્થાનિક રહિશોએ જણાવ્યું છે. શેરીમાં અવાર-નવાર પશુઓ એકબીજા સાથે લડતા હોવાથી રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પશુઓની લડાઈ દરમિયાન શેરીમાં પાર્ક કરાયેલા સ્કૂટર, કાર સહિતના વાહનોને નુકસાન પહોંચે છે. ઉપરાંત બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને અવર-જવર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
શેરીમાં કોઈપણ સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ રહી હોવાનું રહિશોએ જણાવ્યું હતું.રહિશોનું કહેવું છે કે આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે અને અનેક વખત મૌખિક રજૂઆતો છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. તેથી સંબંધિત તંત્ર દ્વારા રખડતા પશુને પકડી યોગ્ય સ્થળે ખસેડવાની તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી સર્જાય નહીં તે માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
શેરીના રહિશોએ વોર્ડ નં.6 ના કોર્પોરેટરને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી રખડતા પશુની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને નાગરિકોની સુરક્ષા તથા સુવિધાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે.
