યુવા આપદા મિત્ર શિબિરમાં વિશાળ સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા
પોરબંદરમાં યુવા આપદા મિત્રની નિવાસી તાલીમ શિબિર યોજાઇ હતી.
પોરબંદર ખાતે ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન, સ્પીપા રાજકોટ અને એન.એસ.એસ.ના સંયુક્ત સહયોગથી 7 દિવસીય નિવાસી ‘યુવા આપદા મિત્ર’ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આપત્તિ વ્યવસ્થાપનની સચોટ તાલીમ આપીને,કટોકટીના સમયે વહીવટી તંત્ર સાથે મળી લોકોના જીવ બચાવી શકે તેવા સક્ષમ ’આપદા મિત્ર’ તૈયાર કરવાનો છે.વિવિધ કોલેજોના 18 થી 40 વર્ષના અંદાજે 44 જેટલા એન.એસ.એસ. અને ’માય ભારત’ (મેરા યુવા ભારત) ના તાલીમાર્થીઓ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. મેડિકલ ટીમ દ્વારા યુવાનોને સી.પી.આર, ફાયર સેફ્ટી, તેમજ સાપ કે હડકાયા કૂતરા કરડવા જેવા કિસ્સાઓમાં જરૂરી ઇમરજન્સી પ્રાથમિક સારવાર અંગે પ્રત્યક્ષ નિદર્શન સાથે ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી.પ્રાયોગિક અનુભવ માટે તાલીમાર્થીઓને ઝાવર ગામના ગેસ પાવર પ્લાન્ટ અને જી.એમ.બી. જેટી/ડોકયાર્ડની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં તેઓએ જહાજમાંથી એલ.પી.જી. ગેસ સપ્લાય અને સ્ટોરેજની સુરક્ષિત પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. તેમજ ગેસ લીકેજ જેવી ઔદ્યોગિક હોનારતો સમયે રાખવાની તકેદારીઓ અને પ્લાન્ટની અદ્યતન સુરક્ષા પ્રણાલી વિશે ટેકનિકલ માહિતી મેળવી હતી.સ્પીપા રાજકોટના ડેપ્યુટી સેક્શન ઓફિસર હિનાબેન કુવાડિયાએ જણાવ્યું હતું કે,આ નિવાસી તાલીમમાં યુવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર અને મેડિકલ સ્કીલ્સ આપવાની સાથે જેટી ખાતે ગેસ ગળતર જેવી ઔદ્યોગિક આપત્તિઓ સમયે લેવાના થતા સુરક્ષાના પગલાં અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.આ તાલીમમાં સહભાગી થયેલ તાલીમાર્થી જોશી ફાલ્ગુને જણાવ્યું હતું કે, આ 7 દિવસીય શિબિરમાં અમને ફાયર સેફ્ટી, સી.પી.આર. અને સ્નેક બાઈટ જેવી ઈમરજન્સી માટેની ફર્સ્ટ એઈડ તાલીમ મળી છે. જી.એમ.બી. જેટી અને ડોકયાર્ડની મુલાકાત દરમિયાન એલ.પી.જી. ગેસનું વહન, તેનું સ્ટોરેજ અને ગેસ લીકેજ સમયના સેફ્ટી ફીચર્સ વિશે ખૂબ જ ઉપયોગી પ્રેક્ટિકલ નોલેજ મળ્યું છે, જે અમને ભવિષ્યમાં આપત્તિના સમયે લોકોની મદદ કરવા માટે સક્ષમ બનાવશે.તેમજ અન્ય એક તાલીમાર્થી મકવાણા પૂજાએ જણાવ્યું હતું કે, અમે એન.એસ.એસ. અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ મેળવી રહ્યા છીએ. અમારા ગ્રુપે સૌપ્રથમ ઝાવર ગામના ગેસ પાવર પ્લાન્ટની અને ત્યારબાદ જેટીની મુલાકાત લીધી, જ્યાં જહાજમાંથી ગેસનો સપ્લાય કઈ સુરક્ષિત પદ્ધતિઓથી થાય છે તે પ્રત્યક્ષ જોયું. શિબિરમાં સી.પી.આર. અને ફાયર સેફ્ટીની અદ્ભુત ટ્રેનિંગ આપવા તથા આ ફિલ્ડ વિઝિટની મંજૂરી આપવા બદલ અમે તંત્રના આભારી છીએ.
આ તાલીમ શિબિર દ્વારા યુવાનોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ, આત્મવિશ્વાસ અને સેવાભાવનો વિકાસ થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી સાબિત થશે.
