ખાડી યુધ્ધની પૂર્ણાહુતિ બાદ ભારતીય સ્કીલ્ડ યુવાનોની વધશે માંગ

પોરબંદરના ઉદ્યોગપતિએ જુદા જુદા પ્રકારની ટેકનીકલ તાલીમ લેવા ઉપર મુકયો ભાર: બેરોજગારીની બુમરાણ વચ્ચે રોજગારીમાં થશે જબરો ઉછાળો: સંસ્થાઓને પણ કરી ટકોર

એકબાજુ પોરબંદરમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યુ હોવાની બુમરાણ છે તો બીજી બાજુ સ્કીલ્ડ યુવાનોની અછત જોવા મળી રહી છે ત્યારે પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિએ પોરબંદરના અનુભવોના આધારે જણાવ્યુ છે કે ખાડી યુધ્ધની પૂર્ણાહુતિ બાદ ભારતના સ્કીલ્ડ યુવાનોની વિદેશમાં માંગ વધશે.
પોરબંદરના ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે હાલમાં ખાડીના દેશો વચ્ચે યુધ્ધ ચાલી રહ્યુ છે તેની પૂર્ણાહુતિ થશે ત્યારે ચારેય તરફથી ભારતના સ્કિલ્ડ યુવાનોની ડિમાન્ડ જોરદાર ઉભી થશે.મારો એવો અંદાઝ છેકે ઇલેકટ્રીશ્યન, મશીનરી, પ્લમ્બીંગ, કેરટેકર અને અન્ય પ્રકારના ખાસ ઉધ્યમી લોકો જેઓએ અત્યારે ટ્રેનીંગ લીધી હશે તેવા આશરે 1 લાખ યુવક-યુવતીઓની ભરતી વિવિધ દેશો શરૂ કરશે. જેનાથી જો માત્ર સૌરાષ્ટ્રમાંથી આટલી ભરતી થાય તેમાટે રાજ્ય સરકાર અત્યારથી આ પ્રકારના કોર્ષો યોગ્ય લાયકાત ધરાવતી સારી વિશ્ર્વાસુ કંપનીઓ દ્વારા કરાવી શકે તો એકલા પોરબંદરમાં દર વર્ષે 50 થી 75 કરોડની આવક આ બહાર વિદેશોમાં કામ કરતા લોકો તરફથી આવવી ચાલુ થાય જેનાથી આપણી સ્થનિક સમૃધ્ધિઓ ખૂબ વધે. બજારોમાં રોનક આવે. આ મોકો ચૂકવા જેવો નથી.
મારું ચોકકસ માનવું છે કે બધુ કામ પડતુ મૂકી સૌ પ્રથમ આ કાર્ય સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ કરાવવું જોઇએ અને નજીકના ભવિષ્યમાં આવતી તકનો પૂરો લાભ ઉઠાવવો જોઇએ. આપનું શું માનવું છે? અલબત્ત સૌ માને છે કે અહી પોલિટેકનિક કોલેજ છે, આઇ.ટી.આઇ. છે, પરંતુ મારા જોવામાં આવ્યુ છે કે સરકારી કોલેજોમાં મળતી ટ્રેનીંગ ખુબ અધૂરી, સામાન્ય અને અપૂરતી હોય છે. જયારે વિદેશોમાં નોકરીની ઇચ્છા રાખનારમા ખૂબ ઉંડાણથી કરેલી, મેળવેલી, મજબૂત ટ્રેનીંગની જરૂરત હોય છે. જે આવી એલ એન્ડ ટી જેવી સુવિખ્યાત કંપની જ આપી શકે… સાચુંને?
તેમ જણાવીને વધુમાં પદુભાઇ રાયચુરાએ ઉમેર્યુ હતુ કે જુદા -જુદા પ્રકારના ઉદ્યોગ સબંધિત તાલીમી કાર્યક્રમો જેવા કે ફોમવર્ક કારપેન્ટ્રી, સ્કેફોલ્ડિંગ, બાર બેન્ડિંગ અને સ્ટીલ ફિકસીંગ, મશીનરી અને ટાઇલીંગ, મશીનરી અને પ્લંબીંગ, ટાઇલીંગ અને પ્લમ્બીંગ, ક્ધસ્ટ્રકશન ઇલેકટ્રીશીયન, ઇન્સ્ટ્રુમેન્ટેશેન ટેકનિશિયન, સ્ટ્રકચરલ વેલ્ડીંગ, પાઇપ વેલ્ડીંગ, સ્ટ્રકચરલ અને પાઇપ ફીટીંગ, પેઇન્ટીંગ, ઇ.એલ.વી. ટેલિકોમ્યુનિકેશન, સોલાર પીવી ટેકનિશિયન, ટ્રાન્સમીશન ટાવર ઇરેકશન અને સ્ટ્રીંગીંગ ટેકનિશિયન, ગ્રાઇન્ડર, ફીટર અને ગેસકટર(મલ્ટી સ્કિલિંગ) આઇ.ઓ.ટી. (ઇન્ટરનેટ ઓફ થિંંગ્સ) સહિતના કોર્ષ માટેના તાલીમી કાર્યક્રમો યોજવા જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ પ્રકારના કોર્ષ માટે રેસીડેન્શીયલ તાલીમની સુવિધા હોવી જોઇએ જેમા ઇ-લર્નીગ કલાસરૂમ કેન્ટીન સહિત એ/આર વી/આરની તાલીમ આપવી જોઇએ 18 થી 35 વર્ષની વચ્ચેના યુવાનો માટે અભ્યાસ મહત્વનો નથી પરંતુ આવડત અને માપદંડ મહત્વના છે. જે રીતે વડનગર ખાતે એલ. એન્ડ ટી .એનર્જી હાઇડ્રો કાર્બન ઔદ્યોગિક બાંધકામ કૌશલ્ય તાલીમ સંસ્થા કાર્યરત છે એ જ પ્રકારની સંસ્થાઓ પોરબંદર તથા તેની આજુબાજુમાં જરૂરી છે. તેમ જણાવીને આ મુદ્ે સરકાર યોગ્ય કરે તેવી લાગણી વ્યકત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ