ગેરકાયદેસર કબ્જો ખાલી કરાવવા અને સાત દિવસમાં વર્ષ -1993થી વર્ષ -2026 સુધીના હિસાબો જમા કરાવવા પણ જણાવાયુ: નાણાકીય ગેરરીતિ અંગે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધવા પણ હુકમમાં જણાવાયુ: અનુગામી ટ્રસ્ટીઓની બિનઅધિકૃત નિમણૂંક પણ રદ કરવામાં આવી
પોરબંદર મુસ્લીમ સમાજમાં ભારે ચર્ચા જગાડનાર સૂર્યાવાડ મેમણ જમાતના વહીવટના વિવાદમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલે ઐતિહાસિક અને આખરી ચુકાદો જાહેર કરીને વહીવટદારની નિમણૂંક કરવા, ગેરકાયદેસર કબ્જો ખાલી કરાવવા તથા ઇ.સ.1993થી અત્યાર સુધીના હિસાબો સાત દિવસમાં જમા કરાવવા તેમજ નાણાકીય ગેરરીતિ અંગે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધવા આદેશ થયો છે અને અનુગામી ટ્રસ્ટીઓની બિનઅધિકૃત નિમણૂંક પણ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
પોરબંદરની જાણીતી સંસ્થા સૂર્યાવાડ મેમણ જમાતની કરોડો રૂપિયાની વક્ફ મિલકતો, નાણાકીય ઉચાપત અને ગેરવહીવટ અંગે ચાલેલા સનસનાટીભર્યા કેસમાં ગુજરાત રાજ્ય વક્ફ વિવાદ ન્યાયપંચ (ટ્રિબ્યુનલ) દ્વારા તા. 28/07/2026 ના રોજ કોર્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આખરી હુકમ ફરમાવવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે વક્ફ બોર્ડના અગાઉના ગેરકાયદેસર આદેશો રદ કરી, વહીવટદાર (એડમીનીસ્ટ્રેટર) ની નિમણૂંક કરવા અને કસૂરદારો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો છે.
વક્ફ બોર્ડનો હુકમ અને ચૂંટણી અધિકારીઓની નિમણૂંક રદ
મુખ્ય કારોબારી અધિકારી (સી.ઇ.ઓ.), ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 26/05/2026 ના રોજ ’ચૂંટણી અધિકારી’ અને ’મદદનીશ અધિકારી’ ની નિમણૂંક તથા તેના આધારે થયેલી કાર્યવાહીઓને રદ કરવામાં આવી છે.
કલમ-38 મુજબ તાત્કાલિક વહીવટદારની નિમણૂંક
ટ્રિબ્યુનલે સ્પષ્ટ નોંધ્યું છે કે અગાઉના ટ્રસ્ટીનો કાર્યકાળ વર્ષ-1996 માં જ પૂર્ણ થઈ ગયેલ હતો છતાં ગેરકાયદેસર રીતે મિલકતો પર કબ્જો જમાવી રાખ્યો હતો. આથી, વક્ફના હિતમાં જ્યાં સુધી નિયમ મુજબ નવા મુતવલ્લીઓ ચૂંટાઈ ન આવે ત્યાં સુધી સુચારૂ વહીવટ માટે વક્ફ અધિનિયમ, 1995 ની કલમ-38 મુજબ વહીવટદારની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો છે.
7 દિવસમાં હિસાબ રજૂ કરવા આદેશ
વિવાદી મોહમદ યુસુફ મોહમદ પુંજાણીને હુકમ કરાયો છે કે પોરબંદર સૂર્યાવાડ મેમણ જમાતના વર્ષ-1993 થી 23 જુલાઈ-2026 સુધીના તમામ હિસાબી ચોપડાઓ, ઓડિટ રિપોર્ટ્સ અને ખાતાવહીઓ દિન-07 (સાત દિવસ) માં વક્ફ બોર્ડમાં જમા કરાવવા તેમજ ટ્રસ્ટની તમામ સ્થાવર અને જંગમ મિલકતોનો કબ્જો વક્ફ બોર્ડના સી.ઇ.ઓ. ને શાંતિપૂર્ણ રીતે સોંપી દેવો. કસૂર કર્યેથી કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
નાણાકીય ગેરરીતિ અંગે તાત્કાલિક પોલીસ ફરિયાદનો આદેશ
પોરબંદર સુર્યાવાડ મેમણ જમાત સંસ્થાના હિતધારકો દ્વારા સોગંદનામા સાથેની કરવામાં આવેલ ફરિયાદો સંદર્ભે નાણાકીય ઉચાપત કરનારા કસૂરદારો સામે હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફોજદારી (ક્રિમીનલ) ફરિયાદ નોંધાવવા ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ અને સી.ઇ.ઓ. ને આદેશ કર્યો છે.
30 દિવસમાં સી.એ.અથવા સરકારી ઓડિટર દ્વારા તપાસ
ટ્રસ્ટના તમામ આવક-ખર્ચના ચોપડાઓ અને ઓડિટ રિપોર્ટ કબ્જે લઈ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના પેનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા સરકારી ઓડિટર મારફતે 30 દિવસની અંદર નાણાકીય ગેરરીતિ અંગે તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અનુગામી ટ્રસ્ટીઓની નિમણૂંકો રદ
આમ સભાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી હોવાનો દાવો કરનાર તૌસીફ અબ્દુલ સતાર હામદાણી, અબ્દુલ જબાર મોહમદ પુંજાણી, અબ્દુલ હબીબ અબ્દુલ ગની ચીતલવાળા, અલ્તાફઅલી મોહમદ સકરાણી, ઈબ્રાહિમ અહમદ પુંજાણી અને યુનુસ સિદીક ચીતલવાળા ની નિમણૂંકોને બંધારણ વિરુદ્ધની ગણાવી રદ કરવામાં આવી અને આ તમામ ટ્રસ્ટીઓ વિરૂદ્ધ દાખલા રૂપી દંડાત્મક કાર્યવાહી વક્ફના સુચારું વહીવટ માટે વકફ અઘિનિયમની જોગવાઈ મુજબ કરવી.
60 દિવસમાં નવી બંધારણીય ચૂંટણી યોજવાનો હુકમ
વક્ફના બંધારણની જોગવાઈ મુજબ દર વર્ષે સામાન્ય સભ્યો ભેગા મળી કમિટી અને સેક્રેટરી નીમે છે. આ જોગવાઈ મુજબ વક્ફ બોર્ડની બેઠકમાં સમગ્ર પ્રકરણ મૂકીને દિન-60 માં નવી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી વક્ફ અધિનિયમ, 1995 ની કલમ-42 મુજબ વક્ફ રજીસ્ટરે નોંધ કરવા હુકમ કર્યો છે. આ ઐતિહાસિક ચુકાદો તા. 28 જુલાઈ, 2026 ના રોજ ગુજરાત સ્ટેટ વક્ફ રૂલ્સ, 2023 ના નિયમ-71(1) ની જોગવાઈ હેઠળ ટ્રિબ્યુનલમાં જાહેર કરવામાં આવ્યો છે. વક્ફ ટ્રિબ્યુનલના આ ચુકાદાથી કસૂરદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોરબંદર સમસ્ત મેમણ જમાતમાં પારદર્શક વહીવટ સ્થપાશે તેવી આશા જાગી છે.
