વનાણામાં કમલમ્ના વાવેતર દ્વારા ખેડૂત કરી રહ્યા છે તગડી કમાણી

યુ ટયુબ અને મિત્ર પાસેથી મેળવેલી પ્રેરણા બાદ ડ્રેગનફ્રૂટનું કરી રહ્યા છે વાવેતર: 14 વીઘા જમીનમાં વવાતા ડ્રેગનફ્રૂટથી વીઘા દીઠ મેળવે છે વાર્ષિક દોઢથી બે લાખ રૂપિયાની આવક: અન્ય ખેડૂતોને પણ વાવેતર માટે કરી અપીલ

પોરબંદર નજીકના વનાણા ગામના ખેડૂત ડ્રેગનફ્રૂટનું વાવેતર કરીને તગડી કમાણી મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે વધુ સશક્ત બની રહ્યા છે. આધુનિક ખેતી, પ્રાકૃતિક કૃષિ, ટેકનોલોજી આધારિત કૃષિ પદ્ધતિઓ, સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર, કૃષિ યાંત્રિકીકરણ તેમજ વિવિધ સહાય યોજનાઓના કારણે ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા અને આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
પોરબંદર જિલ્લાના વનાણા ગામના પ્રગતિશીલ ખેડૂત રામભાઈ ભીખુભાઈ મોકરિયાએ આધુનિક બાગાયતી ખેતી અપનાવીને સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પરુરું પાડ્યું છે. એક સમયે મગફળી અને કપાસ જેવી પરંપરાગત ખેતી પર નિર્ભર રહેલા પોરબંદર જિલ્લાના વનાણા ગામના ખેડૂત રામભાઈ ભીખુભાઈ મોકરિયાએ સમયની સાથે વિચાર બદલ્યો અને નવી દિશા અપનાવી. યુટ્યુબ પરથી મેળવેલી માહિતી અને મિત્રની પ્રેરણાથી શરૂ કરેલો ડ્રેગન ફ્રૂટનો નાનો પ્રયોગ આજે તેમના માટે લાખોની આવકનું સાધન બન્યો છે. સરકારની સહાય અને પોતાની મહેનતના બળે તેઓ આજે માત્ર સફળ ખેડૂત જ નહીં, પરંતુ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
શરૂઆતમાં થોડા વિસ્તારમાં પ્રયોગાત્મક વાવેતર કર્યા બાદ મળેલી સફળતાથી પ્રેરાઈ આજે તેઓ 14 વીઘા જમીનમાં આશરે 2,200 સિમેન્ટ પોલ પર ડ્રેગન ફ્રૂટનું સફળતાપૂર્વક વાવેતર કરી રહ્યા છે. તેમને પોરબંદર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા 12 વીઘા માટે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે કુલ રૂા. 5 લાખથી વધુની સબસિડીનો લાભ પણ મળ્યો છે. આ ઉપરાંત તેઓ ’ઓમ ડ્રેગન ફ્રૂટ નર્સરી’ દ્વારા ગુણવત્તાયુક્ત ડ્રેગન ફ્રૂટના રોપા તૈયાર કરીને વધારાની આવક પણ મેળવી રહ્યા છે.
ખેડૂત રામભાઈ મોકરિયાએ જણાવ્યું કે પરંપરાગત પાકોની સરખામણીએ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પાણીની ખૂબ જ ઓછી જરૂરિયાત રહે છે. યોગ્ય માવજત અને દેશી ખાતરના ઉપયોગથી વિઘાદીઠ વાર્ષિક રૂ. 1.5થી 2 લાખ સુધીની આવક મેળવી શકાય છે. શરૂઆતમાં થતા સ્ટ્રક્ચર અને રોપાના ખર્ચ માટે બાગાયત વિભાગ દ્વારા સિમેન્ટના પોલ, ચક્ર અને રોપા માટે સબસિડી આપવામાં આવે છે. વાવેતરના આશરે દોઢ વર્ષ બાદ પાકનું ઉત્પાદન શરૂ થઈ જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમના ’ઓમ ડ્રેગન ફ્રૂટ’ ફાર્મમાં ઉત્પાદિત ડ્રેગન ફ્રૂટ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને જામનગર જેવા સ્થાનિક બજારોમાં સપ્લાય કરવામાં આવે છે. ઉપરાંત ઘણા વેપારીઓ અને ગ્રાહકો સીધા જ ખેતરેથી ખરીદી કરવા આવે છે. તેઓ ’ઓમ ડ્રેગન ફ્રૂટ નર્સરી’ મારફતે અન્ય ખેડૂતો માટે ઓર્ડર મુજબ ગુણવત્તાયુક્ત રોપા પણ તૈયાર કરે છે. રામભાઈ અન્ય ખેડૂતોને પણ શરૂઆતમાં 1થી 2 વીઘા વિસ્તારમાં બાગાયતી ખેતીનો પ્રયોગ કરીને ધીમે-ધીમે વિસ્તાર વધારવાની સલાહ આપી હતી.

રિલેટેડ ન્યૂઝ