જેટીંગ મશીનથી ગટર લાઇન કરાઈ સાફ: ગટરમાં ઘન કચરો ન નાખવા મહાનગરપાલિકાની અપીલ
પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઓવરફ્લોની ફરિયાદોને પગલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જેટીંગ મશીન દ્વારા ગટર લાઇનોમાં સર્જાયેલા અવરોધ દૂર કરી ગંદા પાણીની સમસ્યાનું અસરકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઓવરફ્લોની સમસ્યાના નિવારણ માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સત્યનારાયણ ભગવાન મંદિરવાળી ગલી, પૂજારા વાળી ગલી, મિલેનિયમ ટાવર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ચેમ્બર ઓવરફ્લો થતાં ગંદા પાણી માર્ગો પર ફરી વળ્યા હતા.જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ,વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાની જાણ થતાં મહાનગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જેટીંગ મશીન દ્વારા હાઈ પ્રેશરથી ગટર લાઇનની સફાઈ કરી અવરોધ દૂર કર્યો હતો. પરિણામે ભૂગર્ભ ગટર વ્યવસ્થા ફરી સુચારૂ બની અને માર્ગો પર ફરી વળતા ગંદા પાણીની સમસ્યાનું અસરકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ નાગરિકોને અગવડતા ન પડે તે માટે આવી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. પોતાના ઘર તેમજ કોમર્શિયલ બિલ્ડિંગમાંથી નીકળતા ગંદા પાણી સાથે પ્લાસ્ટિક, કપડાં, પૂજાનો કચરો, રસોડાનો ઘન કચરો, હેઠવાડ સહિતનો કોઈપણ ઘન કચરો ભૂગર્ભ ગટરમાં ન નાંખવા મહાનગરપાલિકાની સેનીટેશન શાખા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આવા કચરાના કારણે ગટર લાઇનોમાં અવરોધ સર્જાઈ ઓવરફ્લોની સમસ્યા ઊભી થાય છે,શહેરની સ્વચ્છતા જાળવવા અને ગટર વ્યવસ્થા સુચારૂ રાખવા માટે દરેક નાગરિકનો સહયોગ જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
