નવા ચૂંટાયેલા હોદ્દેદારોને પ્રભારી મંત્રી તથા વન મંત્રીએ આપ્યું માર્ગદર્શન: જવાબદારીપૂર્વક કાર્ય કરવા જણાવ્યું
પોરબંદરમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદ અધિકારીઓ માટે કાર્યશાળા યોજવામાં આવી હતી.
પોરબંદર સર્કિટ હાઉસ ખાતે “રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ તથા સદસ્યો માટે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્વાચિત જનપ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિ બનવું માત્ર પદ પ્રાપ્ત કરવું નથી, પરંતુ લોકસેવાનું મહત્વપૂર્ણ દાયિત્વ છે. પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને સેવાભાવ સાથે કાર્ય કરીને સરકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી દરેક જનપ્રતિનિધિની છે. તેમણે ગ્રામસભાને વિકાસનું મુખ્ય મંચ ગણાવી ગામના વિકાસ માટે લોકભાગીદારી, આયોજન અને પારદર્શક કામગીરી પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રામ વિકાસ યોજનાઓના પરિણામે ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. મહિલા સશક્તિકરણ, ડિજિટલ પંચાયત, સ્વરોજગાર, યુવાનો માટે લાઇબ્રેરી અને જ્ઞાન કેન્દ્રોની સ્થાપના સહિતના વિષયો પર પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું. જનપ્રતિનિધિઓએ સતત લોકસંપર્ક જાળવી રાખી નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી જોઈએ તેમ પણ તેમણે
જણાવ્યું હતું.અંતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા વિકસિત ભારત જી રામ જી યોજનાનો મહતમ લાભ લોકોને અપાવવા નવનિવાચિત લોકપ્રતિનિધિઓને જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પંચાયતી રાજ વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની મજબૂત કડી છે. સ્વચ્છતા, પીવાનું પાણી, શિક્ષણ, પોષણ, વૃક્ષારોપણ અને જળસંચય જેવા વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપી આગામી પાંચ વર્ષ દરમિયાન ગામોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવું જોઈએ. તેમણે લોકપ્રતિનિધિઓને નમ્રતા, અભ્યાસ, સતત શીખવાની ભાવના અને યુવાનો સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી હતી.
મંત્રીએ દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન ચલાવવા, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ વિચરતી-વિમુક્ત
જાતિ સમાજના લાભાર્થીઓને સમયમર્યાદામાં પ્લોટ અને સનદ આપવાની કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નાણાંના અભાવે કોઈપણ લોકહિતનું કામ અટકશે નહીં અને મહિલાઓને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વધુ સક્રિય અને સશક્ત ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યશાળામાં પંચાયતી રાજ વ્યવસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા, વહીવટી પ્રક્રિયાઓ, વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા લોકકેન્દ્રિત સુશાસન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના સુમેળ દ્વારા ગ્રામ વિકાસને વધુ ગતિ આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ગોપાલભાઈ કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જયેશભાઈ ભૂતિયા, રાણીબેન પરમાર સહિત તાલુકા જિલ્લા પંચાયતના લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
