પોરબંદરના સુશ્રી જ્યોતિબેન થાનકીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે માનદ પદવી એનાયત


શિક્ષણ જગતમાં હર્ષ અને ગૌરવનીલહેર: પોરબંદરવાસીઓએ પાઠવી અઢળક શુભેચ્છાઓ

ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પોરબંદરના જ્યોતિબેન થાનકીને માનદ પદવી એનાયત કરવામાં આવી હતી
ગુજરાતના જાણીતા લેખિકા, સાહિત્યકાર, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના પૂર્વ સલાહકાર તેમજ ગર્ભ સંસ્કાર કેન્દ્રના પ્રણેતા પોરબંદરના સુશ્રી જ્યોતિબેન થાનકીને શિક્ષણ, સાહિત્ય, સંસ્કાર અને સમાજસેવાના ક્ષેત્રે તેમના અવિસ્મરણીય અને દીર્ઘકાલીન યોગદાન બદલ ડોક્ટર ઑફ લિટરેચર (ઉ.કશિિંં.)ની માનદ પદવી એનાયત કરવામાં આવી છે.
આ પ્રતિષ્ઠિત સન્માન ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટી.એસ. જોશી સાહેબ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાઆ પહેલા પણ જ્યોતિબેન થાનકીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ગૌરવશાળી પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયા છે તે પણ નોંધનીય છે.
આ સન્માન દ્વારા જ્યોતિબેન થાનકીના શિક્ષણપ્રેમ, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંવર્ધન તથા સમાજમાં સંસ્કારમય ચેતના ફેલાવવા માટેના તેમના અમૂલ્ય કાર્યને બિરદાવવામાં આવ્યું છે. જ્યોતિબેનના સાહિત્ય પર પણ પી.એચ.ડી. થનાર વિદ્યાર્થીઓ છે ત્યારે બહેનને ડિગ્રી પ્રાપ્ત થતા આ સન્માન વધુ ગૌરવશાળી બન્યું છે.સુશ્રી જ્યોતિબેન થાનકી વર્ષોથી સાહિત્ય સર્જન, શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રમાં સક્રિય રહી અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ખાસ કરીને પોરબંદરના મહર્ષિ અરવિંદ કેન્દ્ર સંચાલિત ગર્ભ સંસ્કાર અને સમગ્ર ગુજરાતમાં આ અંગેની તેમની સેવાઓ અને જાગૃતિ અભિયાનને વ્યાપક લોકપ્રશંસા મળી છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પોરબંદરના અને સમગ્ર રાજ્યના વિવિધ શૈક્ષણિક, સાહિત્યિક અને સામાજિક આગેવાનો તેમજ શુભેચ્છકોએ જ્યોતિબેન થાનકીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના કાર્યને સમાજ માટે સતત પ્રેરણાસ્ત્રોત બનતું રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
જ્યોતિબેન થાનકીનો સંક્ષિપ્ત પરિચય
સુશ્રી જ્યોતિબેન થાનકીનો જન્મ 25 મે 1943ના રોજ બગવદર, ખાતે થયો હતો. તેઓ પોરબંદરના જાણીતા ગુજરાતી ચરિત્રકાર, લેખિકા અને શ્રી અરવિંદની વિચારધારાના પ્રસારક છે. અભ્યાસ અને કારકિર્દી: તેમણે 1963માં બી.એ. અને 1965માં અર્થશાસ્ત્ર વિષય સાથે તેમજ 1974માં સંસ્કૃત વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી હતી. તેઓ 1966થી પોરબંદરની આર્યક્ધયા ગુરુકુળમાં અર્થશાસ્ત્રના અધ્યાપક અને ઉપાચાર્ય તરીકે સેવા આપીને 2005માં નિવૃત્ત થયાં હતાં. તેમના જીવન અને લેખન પર શ્રી અરવિંદ અને માતાજીનો ગાઢ પ્રભાવ છે.સાહિત્યિક પ્રદાનમાં તેમનું પ્રથમ પુસ્તક ’વાત્સલ્યમૂર્તિ’ 1977માં પ્રગટ થયું હતું, જેને ભગિની નિવેદિતા પારિતોષિક મળ્યું હતું. તેમણે ફાધર વાલેસની જીવનકથા ’પ્રભુનું સ્વપ્ન’ (1979) સહિત અનેક પ્રેરણાદાયી અને ચરિત્રાત્મક પુસ્તકોની રચના કરી છે.

રિલેટેડ ન્યૂઝ