રાણાબોરડીના સરપંચના સસ્પેન્સ મામલે જિલ્લા પંચાયતની ભુમિકા સામે ઉઠાવાયા સવાલ

સરપંચ સામે પોલીસે ફોજદારી કાર્યવાહી કરી ત્યારબાદ પણ લાંબા સમય સુધી છાવરવામાં આવ્યો હોવાનું જણાવીને થઈ ફરીયાદ: નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ

પોરબંદર નજીકના રાણાબોરડી ગામના સરપંચને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે જિલ્લા પંચાયતની ભુમિકા શંકાસ્પદ ગણાવવામાં આવી છે અને પોલીસ ફરીયાદ થઈ ગયા બાદ લાંબા સમય સુધી સરપંચને છાવરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
મિશન માતૃભૂમિના હરીશ રાવત દ્વારા થયેલી ફરીયાદમાં જણાવ્યું છે કે,પોરબંદર જિલ્લાના રાણાબોરડી ગ્રામ પંચાયતના સરપંચ સાંગા જીવા મોરીને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી (આઈ.પી.સી.કલમ 384 સહિતની લાગુ જોગવાઈઓ) અને ગેરકાયદેસર નાણાં ધીરધાર સંબંધિત ગુનાની તપાસ દરમિયાન દાખલ કરાયેલી ચાર્જશીટના અનુસંધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના ઘટનાક્રમે સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.અરજદારના જણાવ્યા મુજબ, સરપંચ વિરુદ્ધ અનેક ગંભીર ફરિયાદો અને દસ્તાવેજી રજૂઆતો અગાઉથી જિલ્લા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય સત્તાધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમય સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી અને માત્ર પ્રાથમિક નોટિસો આપવાની કાર્યવાહી સુધી જ બાબત મર્યાદિત રહી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.ત્યારબાદ પોરબંદર પોલીસ દ્વારા ફરિયાદની કાયદેસર તપાસ હાથ ધરી, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને તપાસ પૂર્ણ થયા બાદ આરોપપત્ર (ચાર્જશીટ) અદાલતમાં રજુ કરવામાં આવ્યું. આ પોલીસ કાર્યવાહી બાદ રાજ્ય સરકાર દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાક્રમને આધારે અરજદારનું કહેવું છે કે સરપંચનું સસ્પેન્શન જિલ્લા પંચાયતની આંતરિક તપાસના આધારે નહીં, પરંતુ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ફોજદારી કાર્યવાહી અને તેના અનુસંધાને થયેલી કાયદેસરની પ્રક્રિયાના પરિણામે થયું હોવાનું સ્પષ્ટ થાય છે.આ સમગ્ર પ્રકરણને પગલે જિલ્લા પંચાયત પોરબંદર તથા જિલ્લા વિકાસ અધિકારીની ભૂમિકા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. અગાઉથી કરવામાં આવેલી ફરિયાદો છતાં સમયસર અને અસરકારક વહીવટી કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં, સંબંધિત ફરિયાદોની તપાસમાં વિલંબ કેમ થયો અને કડક પગલાં માત્ર પોલીસ કાર્યવાહી બાદ જ કેમ લેવામાં આવ્યા તે મુદ્દાઓની પણ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.અરજદારે રાજ્ય સરકારને રજૂઆત કરીને સમગ્ર ઘટનાક્રમમાં જિલ્લા પંચાયત અને સંબંધિત અધિકારીઓની કામગીરીની પણ જવાબદારી નક્કી કરવામાં આવે તથા જો કોઈ પ્રકારની બેદરકારી કે ફરજમાં ઉણપ જણાય તો તેમની સામે પણ કાયદા અને સેવા નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો સંદેશ આપ્યો છે કે જ્યારે પોલીસ વિભાગ કાયદા મુજબ નિષ્પક્ષ અને દૃઢતાપૂર્વક કાર્યવાહી કરે છે ત્યારે કાયદાનું શાસન વધુ મજબૂત બને છે અને જાહેર જીવનમાં જવાબદારી તથા પારદર્શિતા જળવાય છે.પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાયદેસરની કાર્યવાહી બાદ સરપંચનું સસ્પેન્શન થવું એ કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે તે સિદ્ધાંતને વધુ મજબૂત બનાવતી ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ