ભારે વરસાદની આગાહી હોવાથી લોકોને સાવચેત રહેવા માટે માઇક દ્વારા અપાઈ રહ્યું છે માર્ગદર્શન
પોરબંદરના કુતિયાણા ખાતે ડોર ટુ ડોર કચરો લેવા જતા વાહન દ્વારા કચરો તો લેવામાં આવી રહ્યો છે પરંતુ તેની સાથોસાથે માઈક દ્વારા લોકોને ભારે વરસાદની આગાહી અંગે સાવચેત કરવામાં આવી રહ્યા છે
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે કુતિયાણા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વરસાદી સંકટને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુરક્ષા માટે કચરા ગાડી પર લાઉડસ્પીકર (માઇક) લગાવીને શેરી-મહોલ્લાઓમાં નાગરિકોને સાવચેત કરવામાં આવ્યાં છે.કુતિયાણા નગરપાલિકા દ્વારા કચરા ઉપાડવા માટેની વાન પર લાઉડસ્પીકર લગાડીને આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીમાં કુતિયાણા શહેરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આથી તમામ શહેરીજનોને પોતાના સુરક્ષિત સ્થળોએ રહેવા અને સાવચેતી રહેવા અપીલ કરવામાં આવી છે. વધુમાં લાઉડસ્પીકરના માધ્યમથી ભાદર નદીના પટમાં કે કાંઠા વિસ્તારની આજુબાજુ કોઈએ અવરજવર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સરકારી તેમજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું જ ધ્યાન રાખવા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
