માલ મેળવવામાં મદદગારી કરનાર અને દારૂ પૂરો પાડનાર ઈસમોના નામ ખુલતા તેમની સામે પણ નોંધાયા ગુન્હા
પોરબંદર નજીકના ટુકડા ગામે પાદરમાં આવેલ બાવળની કાટમાં દારૂ છુપાવી રહેલા બે યુવાનોને પોલીસે રંગે હાથ પકડી પાડ્યા હતા અને અન્ય બે ઈસમોના નામ ખુલતા તેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.
બગવદર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે ટુકડા ગામે પાદરમાં આવેલ બાવળની કાટમાં બે ઈસમો વિદેશી દારૂ રાખીને હેરાફેરી કરી રહ્યા છે ત્યાંથી તાત્કાલિક પોલીસે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં ટુકડા ગામે રહેતા અને પશુનો તબેલો ધરાવતા રામ હમીર મોઢવાડિયા અને ડ્રાઇવિંગ નો ધંધો કરતા અજય અરભમ ઓડેદરા મળી આવ્યા હતા. આ બંને ઈસમો બાવળની કાટમાં વિદેશી દારૂની બાર બોટલ સહિત 12000 રૂપિયાના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.પકડાયેલા રામ અને અજયની પૂછપરછ કરતાં તેઓએ એવી કબુલાત આપી હતી કે વડાળા ગામના રામ રણમલ મોઢવાડિયા સાથે મળીને આ દારૂનો જથ્થો તેઓએ મંગાવ્યો હતો. અને ભાણવડ નજીક રાણપર ગામના વિજય જોશી પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હતો તેથી પોલીસે વડાળાના રામ મોઢવાડિયા અને રાણપરના વિજય જોશી સામે પણ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
