પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાના ત્રણ શંકાસ્પદ કેસ નેગેટિવ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું!!

એક મહિનાથી પરિસ્થિતિ કથળી રહી હોવા છતાં અધિકારીઓ હતા કુંભકર્ણની નિંદ્રામાં: છાયા અડવાણા અને કુતિયાણાના સેમ્પલ ગાંધીનગર ખાતેથી નેગેટિવ આવ્યા બાદ હવે તંત્રએ કરી પુષ્ટિ

પોરબંદર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો હોવાની ફરિયાદો બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હતું પરંતુ પોરબંદરના છાયા વિસ્તાર તથા અડવાણા અને કુતિયાણામાં શંકાસ્પદ કેસ આવ્યા બાદ ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જે નેગેટિવ આવ્યા છે પરંતુ રહી રહીને હવે તંત્ર જાગ્યું છે અને ડહાપણ ભરી સલાહો લોકોને આપી રહ્યું છે.
પોરબંદર જિલ્લામાં આજદિન સુધી છાયા, અડવાણા અને કુતિયાણા વિસ્તારના કુલ ત્રણ બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેય કેસના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર જીબીઆરસી ખાતે મોકલવામાં આવ્યા હતા. તપાસના અહેવાલ મુજબ ત્રણેય કેસ નેગેટિવ આવ્યા હોવાથી હાલમાં પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાનો એકપણ પુષ્ટિ થયેલો કેસ નોંધાયો
નથી.
આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત તમામ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને સ્થાનિક નાગરિકોને ચાંદીપુરા રોગ અંગે જાગૃત કરી જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું છે.જિલ્લા આરોગ્ય તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે ચાંદીપુરા જેવા રોગોથી બચવા માટે ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવે, મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખે તેમજ નાના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવે. સાથે જ બાળકોમાં બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ