આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને થઈ રોષ સાથે રજૂઆત: વહેલી તકે પુસ્તકો પહોંચાડવા પાઠવાયુ આવેદન
પોરબંદરના રાણાવાવ તાલુકામાં ધોરણના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો અપાયા નથી તેમ જણાવીને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
એક તરફ સરકાર શિક્ષણના સ્તરને ઊંચા લાવવાના મોટા-મોટા દાવા કરે છે અને ’શાળા પ્રવેશોત્સવ’ તથા ’ગુણોત્સવ’ના નામે કરોડો રૂપિયાના ધૂમાડા કરી ફોટોગ્રાફીના શોખીન નેતાઓ વાહવાહી લૂંટે છે, પરંતુ તેની વાસ્તવિક કથની પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાંથી ઉજાગર થઈ છે. ઠોયાણા ગામ સહિત સમગ્ર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3 ના માસૂમ વિદ્યાર્થીઓ પાસે વર્તમાન શૈક્ષણિક સત્ર પૂરું થવાની અણી પર છે છતાં અભ્યાસ માટે એક પણ પુસ્તક નથી!આ અંગે કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂભાઇ ઓડેદરાની આગેવાની હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કટાક્ષમાં જણાવવામાં આવ્યું હતું કે, “બાળકોને શાળામાં ફુલહાર પહેરાવીને અને ઢોલ-નગારા વગાડીને પ્રવેશોત્સવ તો કરાવી દીધા, પણ શું બાળકો ભણવા માટે માત્ર હવા પર ભરોસો રાખશે? સત્ર પૂરું થવા આવ્યું છતાં પુસ્તકો ન પહોંચાડવા એ માત્ર બેદરકારી નથી, પરંતુ શિક્ષણ તંત્રની આંખ આડા કાન કરવાની ખુલ્લી નીતિ છે.”આ વિરોધ પ્રદર્શન અને આવેદન કાર્યક્રમમાં વિશેષરૂપે જોડાયેલા અગ્રણીઓ ચેતનભાઈ સવજણી પુંજાભાઈ કેશવાલા જીવનભાઈ જુંગી કેતનભાઈ મદલાણીપોપટભાઈ સુત્રેજાઆરીફભાઇ પીરજાદાઉપરોક્ત આગેવાનોની સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જાગૃત કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, પુસ્તકો વગર બાળકો આખું વર્ષ કેવી રીતે ભણ્યા હશે અને પરીક્ષાઓ કેમ આપશે? તેનો જવાબ જિલ્લા શિક્ષણ તંત્રએ આપવો પડશે. જો તાત્કાલિક ધોરણે પુસ્તકો નહીં પહોંચાડવામાં આવે, તો તંત્રના આ પોકળ વિકાસની પોલ ખોલવા માટે વાલીઓ અને ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
