મુદ્ામાલ રીકવર કરી મૂળ માલિકને સોંપી દેવામાં આવ્યો: નવીબંદર મરીન પોલીસે કરી કામગીરી
પોરબંદરના ગોસાબારા ગામે પેટીમાં રાખેલ ચાર લાખ રૂપિયાની રોકડમાંથી એક લાખ રૂપિયાની રોકડ ચોરાઇ હતી જ્યારે બાકીની રકમ યથાવત રીતે મળી આવતા આશ્ર્ચર્યજનક ચોરી અંગે પોલીસ ફરિયાદ દાખલ થતા નવીબંદર મરીન પોલીસે તપાસ હાથ ધરીને એક કિશોરને પકડી પાડયો હતો તેની પાસેથી તમામ રૂપિયા રીકવર કરવામાં આવ્યા હતા અને મુળમાલિકને સોંપી દેવામાં આવ્યા હતા.
22 જુનના થઇ હતી ફરિયાદ
ટુકડા ગોસા ગામે ગોસાબારાના ઉપલા વિસ્તારમાં રહેતા અને માચ્છીમારીનો વ્યવસાય કરતા ગફુર હુસેન ઢીમર નામના 33 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તા. 19-6ના માચ્છીમારીના હિસાબ પેટે અયુબ હાસમ ઢીમરે તેને ચાર લાખ રૂા. રોકડા આપ્યા હતા. આ રૂપિયા ગણીને ગફુરે તેની માતા હુરબાઇને આપતા માતાએ મકાનમાં આવેલા સ્ટોરરૂમમાં પતરાની પેટીમાં કાળી કોથળીમાં ચાર લાખ રૂપિયા રાખી
દીધા હતા અને તા. 21-6ના રાત્રે દસેક વાગ્યે માતા હુરબાઇ તથા
પત્ની સમીરુનનીશાની હાજરીમાં માચ્છીમારીના હિસાબના ચાર લાખ રૂપિયા રોકડા બરાબર છે તેની ખરાઇ કરી હતી અને અગીયારેક વાગ્યે તેઓ સુઇ ગયા હતા. માતા હુરબાઇ સ્ટોરરૂમની બહાર ઓસરીમાં સુઇ ગયા હતા. 22મી જુને સવારે આઠેક વાગ્યે બધા ઉઠીને પોતપોતાનું કામ કરતા હતા ત્યારે માતા હુરબાઇએ સ્ટોરરૂમમાંથી બુમાબુમ કરતા ગફુરને તેની પત્ની દોડીને પહોંચી ગયા હતા અને તપાસ કરતા સ્ટોરરૂમની બારીમાં લોખંડની જાળીમાં પતરાની પેટીનો નકુચો ખુલેલી હાલતમાં દોરી સાથે બાંધેલી હાલતમાં એ પેટી લટકતી હતી અને બારી પણ ખુલ્લી હતી. તેથી પતરાની પેટી ખોલીને કાળી કોથળી ખોલીને જોતા ચાર લાખ રૂપિયામાંથી ત્રણ લાખ રૂપિયા બરાબર મળી આવ્યા હતા પરંતુ એક લાખ રૂપિયા ઓછા થઇ ગયા હતા. તપાસ કરતા એક લાખ રૂપિયા નહી મળતા અંતે 112 નંબરમાં પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી જતા તપાસ બાદ ચોરી થયાનું બહાર આવતા ગફુર ઢીમરે અજાણ્યા તસ્કર સામે રાત્રે સાડા અગીયારથી સવારે આઠ દરમિયાન કોઇપણ સમયે ચોરી કરીને નાશી ગયાની ફરીયાદ નોંધાવી હતી.
નવીબંદર મરીન પોલીસે ગુન્હો ડિટેકટ કર્યો
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ચોરી,લુંટ,પીક-પોકેટીંગ, ચેઇન સ્નેચીંગ જેવા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકાવવા તથા આવા ગુન્હા બન્યા બાદ ગુન્હા ડિટેકશન અને મુદામાલ રીકવરી બાબતે સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાએ નવીબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર ગોસાબારા ખાતે રહેતા એક ફરિયાદીના રહેણાંક મકાનમાંથી ગઇ તા. 22-6-2026ના રોજ કોઇ ચોર ઇસમે રોકડ રૂા.1,00,000ની ચોરી કરેલ હોય જે બાબતે ગુન્હો દાખલ થયેલ હોય આ ગુન્હો ડિટેકટ કરવા સુચના તેમજ માર્ગદર્શન કરેલ ે અનુસંધાને નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ ગુન્હાનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સીસના આધારે તથા ડોગ સ્કવોડની મદદ લઇ આ ગુન્હો ડીટેકટ કરેલ અને આ ગુન્હામાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને તેના વાલીની હાજરીમાં હસ્તગત રાખી તેની પાસેથી આ ચોરીમાં ગયેલ મુદામાલ રોકડે રૂા.1,00,000 રીકવર કરી મૂળ માલિક (ફરિયાદી) ગફુરભાઇ હુસેનભાઇ ઢીમર રહે. ટુકડા-ગામ, ગોસાબારા વિસ્તાર, પોરબંદરવાળાને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પરત સોંપેલ છે. આ કામગીરી પી.આઇ. એસ.આર. ચૌધરી, એ.એસ.આઇ. પ્રવિણભાઇ ભુવા, એ.એસ.આઇ. દેવાભાઇ ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ બાલસ, પોલીસ કોન્સ્ટેબલ પુંજાભાઇ ગરચર, રાજુભાઇ રાતીયા, પોલીસ કોન્સ્ટેબલ નિલેષભાઇ ભુતીયા, પોલીસ કોન્સ્ટેબલ અજયભાઇ કરગટીયા, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇ વાસણ દ્વારા કરવામાં આવેલ છે.
