કે.બી. તાજાવાલા સ્કૂલમાં વિદ્યાર્થીનીના પિતા અને એડમીન વચ્ચે થઇ મારામારી

બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ: બંનેને ઇજા પહોંચી: હત્યાની ધમકી પણ આપવામાં આવી

પોરબંદરની કે.બી.તાજાવાલા સ્કૂલમાં વિદ્યાર્થીનીના પિતા અને એડમીન વચ્ચે મારામારી થઇ હતી જેમાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં માર મારવા સહિત હત્યાની ધમકી આપ્યાનું જણાવ્યુ છે.
વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ
પોરબંદરના શીતલાચોકમાં બ્રાન્ચસ્કુલ પાસે રહેતા અને લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે વિનામૂલ્યે સેવા આપતા પીન્ટુ રામજીભાઇ ભાદ્રેચા નામના 47 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની પાંચ વર્ષની દીકરી કવીન્સા છેલ્લા ત્રણ વર્ષથી જુના ફૂવારાથી કમલાબાગ તરફ જતા રસ્તે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલ કે.બી. તાજાવાલા સ્કૂલમાં બાલવાટિકામાં અભ્યાસ કરે છે. તા. 28-7ના બપોરે પોણા વાગ્યાના અરસામાં પીન્ટુ તેમની પુત્રી કવીન્સાને શાળાએ લેવા માટે ગયા હતા જ્યાં શિક્ષકો એક પછી એક વાલી આવે તેમ બાળકોને મોકલતા હતા એ દરમ્યાન પીન્ટુ તેની દીકરી કવીન્સાને લેવા ગયા ત્યારે લોખંડની જાળી આડી રાખેલ હતી જે બાળકીને અથડાતા તેમણે ત્યાં હાજર રહેલા સ્ટાફને રજૂઆત કરી હતી કે ‘મારી બાળકીને આ જાળી લાગી તેવી રીતે જો બીજા કોઇ બાળકોને લાગી જાય તો જવાબદારી કોની?’ એમ રજૂઆત કરતા વાલીઓ ઉગ્ર થઇ ગયા હતા અને સ્કૂલના ટ્રસ્ટી ઋષિ બુધ્ધદેવ આવી ગયા હતા. પીન્ટુ ઉગ્રતાથી રજૂઆત કરતા હોવાથી ઋષિ એ તેને ‘એ હાથ નીચો રાખ’ તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને તે ફરિયાદીને ઉશ્કેરતો હોવાથી ફરિયાદીએ તેનો કાંઠલો પકડી સમજાવ્યો તો ઋષિ ગાળાગાળી કરવા લાગ્યો હતો તથા ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. નખ વડે ફરિયાદીને ઇજા પહોચાડીને ધમકી દઇને ‘તું અહી ગેટથી બહાર નીકળ નહીતર તને મારી નાખીશ’ તેમ જણાવતા વાલી અને સ્ટાફ વચ્ચે પડયા હતા અને વધુ ઝઘડામાંથી છોડાવ્યા હતા. ફરિયાદીને ઇજા થઇ હોવાથી ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી અને બંને વચ્ચે સમાધાનની વાતચીત ચાલુ હતી પરંતુ ત્યારબાદ અંતે પીન્ટુ ભાદ્રેચાએ ફરિયાદ નોંધાવી છે જેમાં સાક્ષી તરીકે અન્ય વાલી ચિંતન દત્તાણી સહિત બીજા વાલીઓ હાજર હોવાનું જણાવ્યુ હતુ.
એડમીનની ફરિયાદ
પોરબંદરના વાઘેશ્ર્વરીપ્લોટમાં રહેતા ઋષિ વિજયભાઇ બુધ્ધદેવ ઉ.વ. 31 દ્વારા વિદ્યાર્થીનીના પિતા પીન્ટુ ભાદ્રેચા સામે ફરિયાદ નોંધાવાઇ છે જેમા જણાવાયુ છે કે ઋષિ કે.બી.તાજાવાલા સ્કૂલ ખાતે છેલ્લા આઠ વર્ષથી એડમીન તરીકે નોકરી કરે છે અને આ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેમના પિતા વિજયભાઇ બુધ્ધદેવ, મોટાબાપુ રાજુભાઇ બુધ્ધદેવ, ધીરુભાઇ દત્તાણી, વૈભવ દત્તાણી તથા અમરસીભાઇ રુઘાણી છે. તેમની શાળા પ્રિ-પ્રાયમરીથી નવ ધોરણ સુધીની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે તા. 28-7ના બપોરે પોણા વાગ્યે ઋષિ તેમની ઓફિસમાં હતા ત્યારે બહારથી જોરજોરથી ગાળો બોલવાનો અવાજ આવતા તેઓ ઓફિસ બહાર નીકળ્યા ત્યારે વિદ્યાર્થીનીના પિતા પીન્ટુ ભાદ્રેચા આંગળી ચીંધીને હાથ લાંબો કરીને મનફાવે તેમ ગાળો બોલતા હતા તેથી ઋષિએ તેને ગાળો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને કોલર પકડીને ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ‘આજે તો તને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. બનાવ વખતે પટ્ટાવાળાબેન સુમીબેન જુંગી, દીપાલીબેન, શિક્ષિકાઓ નીલમબેન નાગર, જાગૃતિબેન મેઘનાથી તથા આચાર્ય દિવ્યાબેન કોટીયા અને વાલી કીંજન દત્તાણી વગેરેએ વચ્ચે પડીને તેઓને છોડાવ્યા હતા. ઝઘડામાં ફરિયાદી ઋષિને પણ ઇજા થઇ હતી. બંને વચ્ચે સમાધાનની વાત ચાલતી હતી. પરંતુ ફરિયાદ વગર જ બનાવ અંગે અમુક અખબારોમાં સમાચાર આવ્યા હોવાથી આ બાબતે ઋષિએ સંસ્થાને જાણ કરી હતી અને સંસ્થાએ તેમને ફરિયાદ લખાવવાનું જણાવતા અંતે વિદ્યાર્થીનીના પિતા પીન્ટુ ભાદ્રેચા સામે ફરિયાદ નોંધાઇ છે તેમજ સી.સી.ટી.વી. ફૂટેજ પણ તેમણે આપ્યા છે જેમાં પહેલો હુમલો પીન્ટુએ કર્યાનું જણાવ્યુ હતુ. તેથી કમલાબાગ પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ
ધરી છે.

રિલેટેડ ન્યૂઝ