લેન્ડગ્રેબીંગની ફરિયાદમાં આરોપીના આગોતરા જામીન મંજૂર થયા છે.કુટુંબના સભ્યને ફસાવી દેવા માટે ખોટી ફરિયાદ થયાનું જણાવ્યુ હતુ.
પોરબંદર પંથકના માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નાથાલાલ ભુરાભાઇ પરમર (બળેજા) દ્વારા તેની માલિકીની ઉંટડા ગામની ખેતીની જમીનમાં પોતાના સગા નાનાભાઇના દીકરા કાના વિસાભાઇ પરમાર તથા તેના પત્ની ભીનીબેન કાના પરમાર તથા પુત્ર ચિરાગ કાના પરમાર દ્વારા પોતાની જમીન પચાવી પાડવા અન્વયે લેન્ડ ગ્રેબીંગ એકટ નીચે ફરીયાદ કરતા અને કમીટી દ્વારા ગુન્હો દાખલ કરવાનો હુકમ કરતા તેના આધારે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો હતો. તે અનુસંધાને આરોપીઓ ભીનીબેન કાનાભાઇ પરમાર તથા ચિરાગ કાનાભાઇ પરમાર દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનના પ્રમુખ હરભમભાઇ સુંડાવદરા મારફતે આગોતરા જામીન અરજી કરેલી હતી અને તેની દલીલમા જણાવેલ કે ફરીયાદી પુર્વ સરકારી કર્મચારી હોવાના કારણે સરકારી કમીટી દ્વારા કર્મચારીને મદદ કરવા માટે ખોટો ગુન્હો દાખલ કરવાનો હુકમ કરેલો હોય કારણકે ફરીયાદીએ પોતાની ફરિયાદમાં સ્પષ્ટ રીતે લખાવેલુ કે, ‘સને 1998ના વર્ષથી મે મારી ઉટડા ગામે આવેલી જમીન મારા સગાભાઇ વિસાભાઇ ભુરાભાઇ પરમારના દીકરા કાના વિસા તેની પત્ની ભીનીબેન કાના અને પુત્ર ચિરાગ કાનાને જમીન નીભાવવા માટે જમીન આપેલી હતી.’ તેવુ ફરિયાદમા લખાવેલુ હોય પરંતુ 1998માં અરજી કરનાર ભીનીબેનના લગ્ન કાનાભાઇ સાથે થયેલા જ ન હોય અને ચિરાગનો જન્મ પણ 2003માં થયેલો હોય એટલે કે 1998માં બંને અરજદારો દ્વારા જમીન સંભાળેલ હોવાનો પ્રશ્ર્ન જ રહેતો ન હોય અને તે રીતે કુટુંબના બધા સભ્યોને ફસાવી દેવા માટે થઇને જ ખોટી ફરિયાદ કરેલ હોવાનું પુરવાર થતુ હોય ત્યારે તેમજ ફરીયાદ મુજબ 1998માં રાજીખુશીથી કબ્જો સોંપલ હોવાનું જણાવેલુ હોય અને 28 વર્ષથી એકધારો કબ્જો હોય અને કોઇ કબ્જો જટી લીધેલ ન હોય.
કોઇ બળજબરી કરેલ ન હોય, કોઇ ધાકધમકી કરેલ ન હોય અને તે રીતે લેન્ડગ્રેબીંગ એકટની વ્યાખ્યામાં જ આવતુ ન હોવા છતાં ખોટી ફરિયાદ થયેલ હોવાની વિગતવાર દલીલ કરતા કોર્ટ દ્વારા પોલીસ પેપર્સ, કાયદાની જોગવાઇઓ ધ્યાને લઇ બંને અરજદારોને શરતોને આધીન આગોતરા જામીન ઉપર મુકત થવાનો એટલે કે હવે આ બંને આરોપીઓ હવે જેલમાં નહી જવુ પડે તે રીતેનો હુકમ થયેલો છે.
આ કામમા આરોપી વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી, પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોના પ્રમુખ હરભમભાઇ સુંડાવદરા, નવઘણભાઇ જાડેજા તથા પીયુષભાઇ વોરા રોકાયેલા હતા.
