પોરબંદરમાં પોલીસ અધિકારીઓ નિવૃત્ત થતા યોજાયો વિદાય સમારોહ

મહિલા પી.એસ.આઇ. તથા એ.એસ.આઈ.ની ફરજ નિષ્ઠાને બિરદાવવામાં આવી: વિશાળ સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત સામાજિક સંસ્થાના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

પોરબંદરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લા પોલીસ પરિવાર માટે એક ભાવુક દિવસ રહ્યો. ડી.ટી.સી. હોલ ખાતે વય નિવૃત થયેલા પી.એસ.આઈ.કે.એમ. સૈયદ (મહિલા પોલીસ સ્ટેશન) અને એ.એસ.આઈ.પોપટભાઈ સીડા (બી.ડી.ડી.એસ.) ના વિદાયસન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી પોલીસ વિભાગમાં નિષ્ઠા અને વફાદારીથી સેવા આપ્યા બાદ બંને અધિકારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થયા છે. તેમની સેવાકાળ દરમિયાનની કામગીરી અને શિસ્તને બિરદાવવા માટે સમગ્ર પોલીસ પરિવાર એકત્ર થયો હતો.આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. ઋતુરાબા અને મેહડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને વરિષ્ઠ અધિકારીઓએ નિવૃત થતા કર્મચારીઓના યોગદાનને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા યુવા પોલીસ કર્મચારીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. કાર્યક્રમ દરમિયાન પી.એસ.આઈ. કે.એમ. સૈયદ અને એ.એસ.આઈ.પોપટભાઈ સીડાને શાલ, સ્મૃતિચિન્હ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ જવાનો દ્વારા બંનેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો.વિદાય પ્રવચનમાં બંને નિવૃત અધિકારીઓએ પોતાના સેવાકાળના અનુભવો વહેંચ્યા હતા. તેમણે વિભાગના તમામ સાથીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સાથ અને સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ સમાજ સેવાના કાર્યોમાં જોડાયેલા રહેવાની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સમગ્ર પોલીસ પરિવારે બંને નિવૃત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. ડી.વાય.એસ.પી. ઋતુરાબા જણાવ્યું હતું કે વિભાગ હંમેશા તેમના અનુભવ અને માર્ગદર્શનનો લાભ લેતો રહેશે. કાર્યક્રમ રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ