શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના લેડીઝ વિંગ દ્વારા આયોજન: પોરબંદરના રઘુવંશીઓને ભાગ લેવા થઈ અપીલ
પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા શહેરોમાં લોહાણા સમાજની મહિલાઓ અને બાળકો માટે વિવિધ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના લેડીઝ વિંગ દ્વારા પોરબંદર સહિત જુનાગઢ, વેરાવળ, કેશોદ, દ્વારકા, ઉપલેટા, કોડીનાર, ધોરાજી, જેતપુર, જામ-ખંભાળિયા અને જામનગર ખાતે એકસાથે સર્વાંગી વિકાસલક્ષી નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી રહી છે. લોહાણા સમાજની બહેનો અને બાળકોમાં બૌદ્ધિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક તથા સામાજિક વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક કેન્દ્ર પર સ્થાનિક સમય અને સંજોગોને અનુરૂપ તારીખ નક્કી કરવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત પાંચથી સાત વર્ષની ઉંમરના બાળકો માટે ચિત્રકલા સ્પર્ધા, આઠથી પંદર વર્ષની ઉંમરના બાળકો માટે સ્થળ પર જ નોન-ફાયર કુકિંગ સ્પર્ધા, તેમજ આઠથી પંદર વર્ષની ઉંમરના બાળકો માટે “કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિમાં સ્વરક્ષણ કેવી રીતે કરશો?” વિષય પર અંદાજે 150 શબ્દોમાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં નિબંધ લેખન સ્પર્ધા યોજાશે. ઉપરાંત સોળ વર્ષથી વધુ ઉંમરની બહેનો માટે સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન, ધાર્મિક, ઐતિહાસિક અને દેશી ઉપચાર જેવા વિષયો પર ક્વિક ક્વિઝ સ્પર્ધા યોજાશે.
પોરબંદર કેન્દ્રનો કાર્યક્રમ તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5:00 કલાકે ભદ્રકાળી રોડ સ્થિત કંચન કોટેજ હોલ, શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય દિનને અનુલક્ષીને તિરંગાના ત્રણ રંગોમાંથી કોઈપણ રંગનું સુસંગત પરિધાન (ડ્રેસ કોડ) રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવશે. પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ, 2026 રાખવામાં આવી છે.
નોંધણી અને વધુ માહિતી
માટે 9426244081, 9428626831 અને 8780649997 પર સંપર્ક કરવા જણાવાયું છે.આયોજકોએ સ્પર્ધકોને સુચના આપી છે કે નોન-ફાયર કુકિંગ માટે જરૂરી સામગ્રી, ચિત્રસ્પર્ધા માટે એ-4 સાઇઝના બે ડ્રોઇંગ પેપર તથા રંગો, તેમજ નિબંધ સ્પર્ધા માટે એ-4 સાઇઝના લીટીવાળા બે ફૂલસ્કેપ પેપર અને બોલપેન સહિતની જરૂરી સામગ્રી પોતાની સાથે લાવવાની રહેશે.
