શાળાઓમાં મોબાઈલ ફોનનો વધી રહેલો ઉપયોગ જોખમી

વિદ્યાર્થી નેતાએ સરકારના પરિપત્રનું કડક પાલન કરાવવા શિક્ષણ વિભાગને કરી રજુઆત: શિક્ષણ ઉપર ગંભીર અસર થતી હોવાનું જણાવ્યું

પોરબંદરની જુદી-જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓ મોબાઇલનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે, તે જોખમી ગણાવીને સરકારના નિયમનું પાલન કરવા માંગ કરવામાં
આવી છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના વધતા વપરાશને કારણે શિક્ષણ,માનસિક સ્વાસ્થ્ય, શારીરિક વિકાસ પર ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા જિલ્લા/પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મોબાઇલ ફોનના બિનજરૂરી ઉપયોગ પર નિયંત્રણ રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.છતાં અનેક શાળાઓમાં તેનો પૂરતો અમલ થતો ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે.તેથી આ અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રનું તમામ સરકારી તથા ખાનગી શાળાઓમાં કડક પાલન કરાવવા આવે તેવી માંગ કરાઇ હતી.
કિશન રાઠોડ દ્વારા વધુમાં જણાવાયું હતુ કે,આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી છે,પરંતુ તેનો અતિરેક વિદ્યાર્થીઓના ભણતર,માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસ માટે ચિંતાજનક બની રહ્યો છે.ઘણી શાળાઓમાં હોમવર્ક પણ ઓનલાઈન આપવામાં આવતું હોવાથી નાના બાળકોનો સ્ક્રીનટાઇમ વધી રહ્યો છે.જ્યાં શક્ય હોય ત્યાં હોમવર્ક શાળામાં જ સમજાવી અને લખાવીને આપવામાં આવે તો મોબાઇલ પરની નિર્ભરતા ઘટી શકે.વધુ પડતા સ્ક્રીનટાઇમને કારણે નાની વયે બાળકોને ચશ્માં પહેરવા,માથાનો દુખાવો,માનસિક તણાવ અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ વધી રહી છે.સાથે જ વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચવાની આદત, રમતગમત પ્રત્યેનો રસ અને પરિવાર સાથેનો સમય પણ ઘટી રહ્યો છે.મોબાઇલનો અતિશય ઉપયોગ શૈક્ષણિક પ્રગતિ માટે પણ પડકારરૂપ છે.વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે રજૂઆતમાં જણાવ્યું છે કે શાળા એ શિક્ષણ,સંસ્કાર અને વ્યક્તિત્વ નિર્માણનું કેન્દ્ર છે.તેથી શાળા પરિસરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ માત્ર શૈક્ષણિક અથવા જરૂરિયાત પૂરતો જ મર્યાદિત રહે તે જરૂરી છે. ગુજરાતમાં શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર નિયંત્રણ મૂકવા સરકારે 2010માં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.સાથે જ 2025મા રાજ્ય સરકારે બાળકોમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકાઓ તૈયાર કરવાની પહેલ પણ કરી હતી,તેથી સરકારના પરિપત્રનું પાલન થાય છે કે,નહી તેની સમીક્ષા પણ જિલ્લા/પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીથી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.દરેક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોબાઇલના જવાબદાર અને મર્યાદિત ઉપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમો આયોજન કરવામાં આવે,જેથી વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાન અને શિક્ષણ માટે કરે,વ્યસન તરીકે નહીં તેવુ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે જણાવ્યું હતું.વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એ સૌની સંયુક્ત જવાબદારી છે.

રિલેટેડ ન્યૂઝ