રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે ‘ ઇનોવેશન ઇન રાઇટીંગ’ વિષયક રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો: એ.આઇ. આધારિત લેખન અને પરંપરાગત લેખન વચ્ચેનો ભેદ સમજાવ્યો: યુવાપેઢીએ મેળવી મહત્વની જાણકારી
ડીજીટલ યુગમાં લેખન માત્ર અભિવ્યક્તિનું સાધન નહી પણ કમાણીનું માધ્યમ બન્યુ છે તેમ જણાવીને રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે ‘ ઇનોવેશન ઇન રાઇટીંગ’ વિષયક રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો હતો.
ગવર્ન્મેન્ટ આર્ટસ કોલેજ, રાણાવાવ ખાતે ‘ઇનોવેશન ઇન રાઇટીંગ : ધ ઇવોલ્વીંગ સ્ટાઇલ ઓફ રાઇટીંગ ઇન સ્ટાર્ટઅપ એન્ડ સોશ્યલ મીડિયા એરા’ – વિષય પર એકદિવસીય સેમિનાર યોજાયો હતો.ગવર્ન્મેન્ટ આર્ટસ કોલેજ, રાણાવાવ ખાતે ઇનોવેશન ઇકો સીસ્ટમ ,રીર્સચ, ઇનોેવેશન એન્ડ એકસ્ટેન્શન ગ્રાન્ટસ, નોલેજ કોર્ન્સોટીયમ ઓફ ગુજરાત (કે.સી.જી.) તથા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી ‘ઇનોવેશન ઇન રાઇટીંગ : ધ ઇવોલ્વીંગ સ્ટાઇલ ઓફ રાઇટીંગ ઇન સ્ટાર્ટઅપ એન્ડ સોશ્યલ મીડિયા એરા’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાના સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. સેમિનારના મુખ્ય વક્તા રાજકોટની એ.એમ.પી. ગવર્નમેન્ટ લો કોલેજના પ્રિન્સીપાલ ડો. કે. કે. બુધભટ્ટીનોપરિચય આઇ.કયુ.એ.સી. કો-ઓર્ડિનેટર ડો. એમ. એ. પટેલ, દ્વારા આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રમુખ અને ગવર્ન્મેન્ટ આર્ટસ કોલેજ, રાણાવાવના આચાર્ય ડો. આર. બી. જોષીએ પોતાના પ્રમુખ ઉદૃબોધનમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં લેખન માત્ર અભિવ્યક્તિનું સાધન નહીં, પરંતુ નવીનતા, સ્ટાર્ટ-અપ, સંશોધન અને સામાજિક પરિવર્તનનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે. તેમણે વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને ટેક્નોલોજીનો સમન્વય સાધી ભવિષ્યની તકોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મુખ્ય વક્તા ડો. કે. કે. બુધભટ્ટીએ પોતાના વ્યાખ્યાનમાં પરંપરાગત લેખનથી આધુનિક ડિજિટલ લેખન સુધીના પરિવર્તનને સરળ અને રસપ્રદ ઉદાહરણો દ્વારા સમજાવ્યું. તેમણે સોશિયલ મીડિયા, બ્લોગ, માઇક્રો રાઇટિંગ, સ્ટોરીટેલિંગ, બ્રાન્ડિંગ, સ્ટાર્ટ-અપમાં અસરકારક લેખન, એ.આઇ. આધારિત લેખન અને ડિજિટલ ક્ધટેન્ટ સર્જનના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.. તેમણે ‘રાઇટ ફયુઝન’ નામના નવીન સ્ટાર્ટ-અપ મોડેલની રજૂઆત કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા અને પરંપરાગત લેખનના સમન્વયની ઉપયોગિતા સમજાવી. ઉપરાંત માનવવિદ્યાના વિદ્યાર્થીઓ માટે કોન્ટેન્ટ રાઇટીંગ ,સ્ક્રીપ રાઇટીંગ ,પ્રોપોઝલ રાઇટીંગ , ડીજીટલ સ્ટોરીટેલીંગ અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજી જેવા અનેક કારકિર્દી વિકલ્પો અંગે પણ માહિતી આપી હતી.
વ્યાખ્યાન બાદ યોજાયેલા પ્રશ્ર્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મુખ્ય વક્તા સાથે સક્રિય સંવાદ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો. એન. બી. મકવાણા, સેમીનારના ક્ધવીનર અને કો-ઓર્ડિનેટર, ઇનોવેશન ઇકોસીસ્ટમ /ઇનોવેશન કલબ તથા સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ડો. એમ. આર. બાલાસ, સહાયક પ્રાધ્યાપક, સંસ્કૃત વિભાગ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સેમિનારમાં કોલેજેના અધ્યાપકો, સંશોધકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી લાભ મેળવ્યો. સમગ્ર કાર્યક્રમ અત્યંત જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને સફળ રહ્યો હતો. તેમ સરકારી વિનયન કોલેજ, રાણાવાવના મીડિયા સેલ કોર્ડિંનેટર, પ્રોફેસર,ડો. મયુર ભમ્મરે જણાવ્યુ છે.
