પોરબંદરમાં ઓનલાઇન રકમ ચુકવણીનો ખોટો સ્ક્રીનશોટ બતાવી મોબાઈલ લઈ જનાર ઝડપાયો

1,34,000ના આઇફોનની કરી હતી ખરીદી: અગાઉ જામનગરમાં પણ એ જ રીતે કર્યું હતું ચીટીંગ

પોરબંદરમાં ઓનલાઇન પેમેન્ટ ચુકવણીનો ખોટો સ્ક્રીનશોટ બતાવી 1,34,000 નો મોબાઈલ લઈ જનાર ઈસમને પોલીસે પકડી પાડ્યો છે અને પૂછપરછ કરતાં તેણે જામનગરમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોરબંદરના આર્ય સમાજ પાસે શ્રી મોબાઈલ નામની દુકાનમાં કામ કરતા કર્મચારી નયન કોટિયા એ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે રાજુ ભુતીયા નામનો ગ્રાહક મોબાઈલ ખરીદવા આવ્યો હતો ને 1,34,900 નો આઇફોન – 17 પ્રો ની તેણે ખરીદી કરી હતી. અને તેનું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું જેનો સ્ક્રીનશોટ નયનના મોબાઇલમાં મોકલીને ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ રકમ જમા નહીં થતાં ફરિયાદી એ તેને ફોન કરતા થોડીવારમાં જમા થઈ જશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ પોતે ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો આથી છેતરપિંડી અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ કીર્તિ મંદિર પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ટેકનિકલ સોર્સિંગના માધ્યમથી એવી માહિતી મળી હતી કે મોબાઈલ લઈ જનાર યુવાન બંદર રોડ પર સ્મશાનના ગેટ પાસે છે આથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને તેને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 1,34,000 નો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો. અને પૂછપરછ કરવામાં આવતા તે મૂળ કુતિયાણાના દેવડા ગામનો અને હાલ જામનગરના નાઘેડી ગામે રહેતો રાજુ પોલા ભૂતિયા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી વીવો કંપનીનો 25,000 નો અન્ય મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન અને ગુનાહિત હિસ્ટ્રી તપાસતા રાજુ પોલા ભૂતિયા સામે એક મહિના પહેલા જામનગરના ટાઉનહોલ પાસે સનરાઈઝ મોબાઈલ નામની દુકાનમાં થી પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરીને આઇફોન- 16 પ્રો 82 હજાર રૂપિયાનો ખરીદીને આવી જ છેતરપિંડી કરી હતી. તે મુખ્યત્વે આવા મોંઘા ફોનની જ ખરીદી કરતો હતો તેવી માહિતી મળતા પોલીસે તેની આગળની પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે પકડાયેલ રાજુ પોલા ભૂતિયા જુદા જુદા શહેરમાં મોબાઇલની દુકાનમાં જઈને ખરીદી કરવાનું કહીને દુકાનદારના ખાતામાં ઓનલાઈન બેંકની એપ્લિકેશન દ્વારા મોબાઈલ ખરીદીના રૂપિયા એન.ઈ.એફ.ટી. માધ્યમથી જમા થયાનું જણાવીને સ્ક્રીનશોટ પાડીને થોડીવારમાં પેમેન્ટ આવી જશે તેમ કહીને ચાલ્યો જતો હતો તેથી તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ