રાજાશાહી જમાનાના ભોજેશ્ર્વર મહાદેવ મંદિર પટાંગણમાં બિસ્માર મકાનનો સ્લેબ ધરાશાઈ

પુજારી પરિવારનો આબાદ બચાવ:મામલતદાર હસ્તકના મંદિર પટાંગણમાં પુજારી માટે વ્યવસ્થિત આવાસ બનાવી દેવા થઈ માંગ

પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં પુજારી વસવાટ કરે છે તેના એક બંધ રૂમમાં સ્લેબ ધડાકાભેર પડ્યો હતો કોઈને ઈજા કે જાનહાનિ થયા નથી પરંતુ સામાન્ય નુકસાન થયું છે.
પોરબંદર શહેરના ઐતિહાસિક અને રાજાશાહી જમાનાના ભોજેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલ જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાતા માંડ માંડ ટળી હતી.
મળતી માહિતી મુજબ,મંદિરના પટાંગણમાં મામલતદાર કચેરી હસ્તકનું જૂનું મકાન આવેલું છે.જેમાં મંદિરના પુજારી ઉપેનભાઈ જોશી પરિવાર સાથે વસવાટ કરે છે અને સામાન પણ રાખવામાં આવે છે. આ મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું.આ મકાનનો સડી ગયેલો સ્લેબ અચાનક તુટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,પરંતુ ઘરનો સામાન અને માલ-મિલકતને ભારે નુકસાન થયું છે.પુજારી પરિવારનું હાલમાં રસોડું અને સુવા-બેસવાનો રૂમ પણ આ જર્જરિત મકાનમાં આવેલો છે.આ ભાગની છતના નળિયા અને સ્લેબમાં પણ અંદાજે 7 થી 8 જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ છે અને કટકા થઈ ગયા છે.છતમાંથી આરપાર દેખાય છે.પરિવારે જણાવ્યું કે ગમે ત્યારે આ ભાગ પણ તૂટી પડી શકે તેમ છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.આ બાબતે પુજારી ઉપેનભાઈ જોશી દ્વારા તંત્રને અસંખ્ય વખત લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવી છે.તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે,”સમારકામ માટે ઉપર દરખાસ્ત મોકલી આપેલ છે. ઉપરથી પરમિશન મળતાં જ કામ કરી આપવામાં આવશે.”
આ ઘટના બાદ સ્થાનિકો અને મંદિર સાથે સંકળાયેલા લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમની માંગ છે કે રાજાશાહી જમાનાના આ ઐતિહાસિક મંદિરની સાથે જોડાયેલ આવાસની તાત્કાલિક ચકાસણી કરી, જોખમી ભાગને તોડીને નવું અને સુરક્ષિત મકાન બનાવવામાં આવે. પુજારી પરિવારે તંત્રને વિનંતી કરી છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તાત્કાલિક પગલાં લઈ સમારકામની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે જેથી તેમનો જીવ બચી
શકે.

રિલેટેડ ન્યૂઝ