મહાનગરપાલિકાના તંત્રએ નવા રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યા પરંતુ સફેદ પટ્ટા મારવાનું ભુલાઈ ગયું!: ઠક્કર પ્લોટ વિસ્તારમાં થઈ કામગીરી
પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ ઠક્કર પ્લોટમાં રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યા પરંતુ સફેદ રંગના પટ્ટા મારવાનું ભુલાઈ ગયું હોય તેમ કામ કર્યું નથી તેથી દુકાનદારોએ પોતાના ખર્ચે આ કામગીરી કરી છે.
શહેરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં કબીર આશ્રમની બાજુમાં થોડા મહિના પહેલા નવો રસ્તો બનાવવામાં આવ્યો હોવા છતાં સ્પીડ બ્રેકર પર જરૂરી સફેદ પટ્ટા ન મારવામાં આવતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.સ્થાનિક દુકાનદારોના જણાવ્યા મુજબ, સ્પીડ બ્રેકર સ્પષ્ટ દેખાતો ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને મુશ્કેલી પડે છે અને વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિથી કંટાળીને અંતે સ્થાનિક દુકાનદારોએ પોતાની રીતે ચૂનો/સફેદ રંગ લાવી સ્પીડ બ્રેકર પર પટ્ટા મારવાની કામગીરી કરી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે રસ્તો બન્યાને 2 થી 3 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવાની કામગીરી કરવામાં આવી નથી. માત્ર ઠક્કર પ્લોટ જ નહીં, પોરબંદર શહેરમાં જ્યાં જ્યાં નવા રસ્તા બનાવવામાં આવ્યા છે ત્યાં પણ અનેક સ્થળોએ સ્પીડ બ્રેકર પર પટ્ટા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.લોકોની માંગ છે કે,સંબંધિત તંત્ર દ્વારા શહેરના તમામ નવા રસ્તાઓ પર આવેલા સ્પીડ બ્રેકરની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જરૂરી સફેદ પટ્ટા મારી વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેમ જણાવ્યું હતુ.
