જેસીબી-મોરમ સહિત 34 લાખનો મુદામાલ કબ્જે : બે સામે કાર્યવાહી
રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનન અને પરિવહન સામે પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસઓજીની ટીમે પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના નાનાવડા ગામની સીમમાં સફળ દરોડો પાડીને ગેરકાયદેસર સોફ્ટ મોરમ (તાસ)નું ખનન તથા વહન કરતી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે જેસીબી, ટ્રેક્ટર અને 200 મેટ્રિક ટન સોફ્ટ મોરમ સહિત કુલ રૂ. 34,50,000નો મુદામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર રેતી અને ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો સામે દંડાત્મક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ માર્ગદર્શન અને આદેશો આપ્યા હતા. આ આદેશના અનુસંધાને એસ ઓજી શાખાના પી.આઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી.મિશ્રા તથા તેમની ટીમ પડધરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, પડધરી તાલુકાના નાનાવડા ગામની સીમમાં આવેલ ચેક ડેમની બાજુમાં ગેરકાયદેસર રીતે સોફ્ટ મોરમ (તાસ)નું ખનન અને વહન ચાલી રહ્યું છે. બાતમીના આધારે એસઓજીની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાજકોટના મવડી વિસ્તારની સહજાનંદ પાર્ક શેરી નં.01માં રહેતા ઉમેશભાઇ ભુરાભાઇ પાંભર નામના શખ્સને કોઈ પણ જાતની પાસ-પરમિટ વગર સોફ્ટ મોરમનું ગેરકાયદેસર રીતે ઉત્ખનન અને પરિવહન કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જેસીબી મશીન , સોફ્ટ મોરમ ભરેલ ટ્રેક્ટર અને ખનન કરેલ તથા સંગ્રહ કરેલ આશરે 200 મેટ્રીક ટન મોરમ સહીત કુલ રૂૂ.34,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનો તેમજ ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરાયેલા સોફ્ટ મોરમના જથ્થા અંગે ખાણ અને ખનીજ વિભાગના નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી વસૂલવા માટે ભુસ્તર શાસ્ત્રી, ખાણ-ખનીજ વિભાગ, રાજકોટને વિસ્તૃત રિપોર્ટ મોકલી આગળની કાયદેસરની સોંપણી કરવામાં આવી છે.આ સમગ્ર સફળ કામગીરી એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગી, પીએસ આઈ જી.જે.ઝાલા, પીએસઆઈ પી.બી.મિશ્રા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
