કોલેજમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગોઢાણિયા કોલેજના પી.જી.સેન્ટર ખાતે થયું આયોજન: યુવા પેઢીને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે અપાયું માર્ગદર્શન

પોરબંદરની ગોઢાણિયા કોલેજના પી.જી. સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ માટે મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજના ઝડપી, સ્પર્ધાત્મક અને સતત બદલાતા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે.
અભ્યાસનું દબાણ, કારકિર્દીની ચિંતા, વધતી જવાબદારીઓ, તણાવ, એકલતા તથા વિવિધ સામાજિક પરિબળો યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરી શકે છે. આ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને તેઓ પોતાના માનસિક સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવી શકે તે હેતુથી સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશનદ્વારા ‘મેન્ટલ હેલ્થ અવેરનેસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ, પી.જી. સેન્ટર, પોરબંદર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, તણાવના કારણો, માનસિક સમસ્યાઓ પ્રત્યેની ગેરસમજો તથા મુશ્કેલ પરિસ્થિતિમાંથી સકારાત્મક રીતે બહાર આવવાના વિવિધ ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશનના જનરલ સેક્રેટરી દિપભાઈ સોનીગ્રા તથા ખજાનચી રીતલબેન બદરશાહી દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક રીતે મેન્ટલ હેલ્થ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેવી રીતે કેળવી શકાય, તણાવ અને નકારાત્મક વિચારોને કેવી રીતે ઓળખી શકાય તેમજ જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી સકારાત્મક અભિગમ સાથે કેવી રીતે બહાર આવી શકાય તે અંગે ઉપયોગી માહિતી આપી હતી.વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં સંકોચ ન રાખવા, જરૂરી સમયે પરિવારજનો, મિત્રો, શિક્ષકો અથવા નિષ્ણાતોની મદદ લેવા તેમજ યોગ, ધ્યાન, રમતગમત, વાંચન અને સકારાત્મક જીવનશૈલીને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર માનસિક સ્વાસ્થ્ય અંગે માહિતી આપવાનો નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી એ નબળાઈ નહીં, પરંતુ જાગૃતિ અને હિંમતની નિશાની છે એવો સકારાત્મક સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહ્યો હતો.આ પ્રસંગે એમ.એ. ઇકોનોમિક્સના હેડ ડો.ભાવનાબેન કેશવાલા, એમ.એ. અંગ્રેજીના હેડ કિરણબેન ગોસાઈ, એમ.કોમ.ના હેડ ડો.જાનકીબેન કોટેચા, પ્રો.વૈભવીબેન ચુડાસમા તથા પ્રો.રિદ્ધિબેન ગોટેચા સહિતના અધ્યાપકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેમીનાર, વર્કશોપનું આયોજન કરી વધુમાં વધુ લોકો સુધી માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ મેન્ટલ હેલ્થ અંગે પોતાના પ્રશ્નો રજુ કરી માર્ગદર્શન મેળવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ