પોરબંદરની ચોપાટી પર લેવાયેલી આ તસ્વીરમાં એક કચરાપેટી છે. તેના પર લખ્યું છે ‘બેટી બચાઓ’ – અક્ષરો સુંદર, યોજના સુંદર, વાત પણ સુંદર. અને એ જ કચરાપેટીને વળગીને ત્રણ બેટા હસે છે. ઉઘાડા પગ, મેલાઘેલા કપડાં, પણ આંખોમાં દરિયા જેવડું આકાશ.એ હસતાં હસતાં જ જાણે પૂછી રહ્યા છે -‘ સાહેબ, સરકારે ‘બેટી બચાવો’ યોજના તો કરી, બહુ સારું કર્યું. દીકરીઓ તો દેશનું ગૌરવ છે, બચવી જ જોઈએ. પણ અમારા જેવા ઝૂંપડપટ્ટીમાં રહેતા બેટાને કોણ બચાવશે?અમને પણ ભણવું છે, પણ સ્કૂલને બદલે કચરો વીણવા જવું પડે છે.અમને પણ રમવું છે, પણ રમકડાંને બદલે કચરાપેટી મળે છે.અમને પણ સપના છે, પણ સપનાં પૂરા કરવા માટે બે ટંકનો રોટલો પણ નથી.અમે ગરીબ છીએ, પણ ગુનેગાર નથી. અમે ઝૂંપડામાં રહીએ છીએ, પણ આ દેશ અમારો પણ છે.સરકાર જો બેટીને બચાવશે તો બેટા સામે પગલે ચાલીને દેશને બચાવશે. પણ બેટાને જ ભૂખી રાખશો તો દેશ કેવી રીતે બચશે?’ કચરાપેટી પર લખેલા સૂત્રો કરતાં, કચરાપેટી સાથે રમતા આ બેટાઓના ભવિષ્યનો વિચાર કરો.તેવો સવાલ આ તસ્વીર જોતા ઉપસ્થિત થાય છે.
(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
