દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘાસ વિતરણ શરુ થયુ પરંતુ પોરબંદર જિલ્લામાં હજુ ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી હોવાથી પશુપાલકોમાં ભારે રોષ: શિવદૂત સંસ્થા દ્વારા ઉચ્ચકક્ષાએ થઇ રજૂઆત
પોરબંદર જિલ્લામાં આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તેથી સરકારે પશુઓ માટે ઘાસચારો આપવાની વ્યવસ્થા કરવા જાહેરાત કરી છે પરંતુ હજુ તેના ફોર્મ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. સરકારની લાંબી પ્રોસીઝરને કારણે મુંગા પશુઓ મરી જાય પછી ઘાસચારો મળે તેવી શકયતા જણાઇ રહી હોવાથી શિવદૂત સંસ્થા દ્વારા રોષપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરની શિવદૂત સંસ્થાના અધ્યક્ષ અર્જુનભાઇ ગોઢાણીયાએ સરકારનું ધ્યાન દોરતા જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તેથી રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે પશુપાલકો માટે ઘાસના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી સરકારી પધ્ધતિથી અને ગોકળગાય ગતિએ ચાલી રહી છે તેમ જણાવીને અર્જુનભાઇ ગોઢાણીયાએ વધુમાં જણાવ્યુ છે કે હજુ ગ્રામ પંચાયતોને માત્ર ફોર્મ એકત્ર કરવાનો આદેશ અપાયો છે તે પછી તલાટીમંત્રીઓ સહી સીકકા કરશે ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ ફોર્મ એપ્રુવલમાં મોકલવામાં આવશે. ત્યાર પછી કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી થશે અને એ પછી બે રૂપિયે એક ગાંસડી લેખે પશુઓની સંખ્યા પ્રમાણે ઘાસનું વિતરણ થશે ત્યાં સુધીમાં તો અનેક પશુઓ મરણને શરણ થઇ જશે.
હાલમાં ઘાસચારાની અછતની પરિસ્થિતિનું સર્જન થયુ છે અને ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ઘાસચારો ફાળવવો જોઇએ તેવી રજૂઆત અર્જુનભાઇ ગોઢાણીયા દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી છે.
