પોરબંદરના જન્માષ્ટમીના મેળાના આયોજન માટે બેઠક યોજાઈ

મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જુદા-જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંકલન કરીને અપાયું માર્ગદર્શન: સુવ્યવસ્થિત રીતે લોકમેળો સંપન્ન કરવા થઈ ચર્ચા

પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાના આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી.
પોરબંદરમાં શ્રીકૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.આ લોકમેળાના સુચારૂ આયોજન અને વિવિધ કામગીરીની અસરકારક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી. તીરથાણીના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ હતી.બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર કિશન બી. ગરસર તથા શ્રી મનન ચતુર્વેદીની ઉપસ્થિતિમાં આગામી તા.3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પાંચ દિવસીય લોકમેળા માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિવિધ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.લોકમેળાના સુપરવિઝન, પાણીની વ્યવસ્થા, ચેકિંગ વ્યવસ્થા, ફૂડ સેફ્ટી, ઉદ્ઘાટન સમારોહ, ખોવાયેલ બાળકો માટેની રાવટી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇલેક્ટ્રિક લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, કંટ્રોલ રૂમ, ફાયર સેફ્ટી, સ્વાગત વ્યવસ્થા, આરોગ્યલક્ષી સેવાઓ, સી.સી.ટી.વી. વ્યવસ્થા, સિક્યુરિટી સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન અને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી. તીરથાણીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેળા દરમિયાન ટીમવર્ક અને પરસ્પર સંકલન સાથે જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી.
મેળાની તમામ વ્યવસ્થાઓ સુચારુ અને વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તેમજ મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી આયોજન અને સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ તથા લોકમેળાની ફરજ સાથે સંકળાયેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ