શ્રીનાથજીની હવેલી ખાતે આયોજન: વૈષ્ણવ સેવા સમિતિએ ધાર્મિકજનોને જોડાવા પાઠવ્યુ નિમંત્રણ
પોરબંદર નજીકના શીલ ગામે શ્રીનાથજીની હવેલીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પોરબંદર નજીકના શીલ ગામે તા.4 સપ્ટેમ્બરના રોજ વૈષ્ણવ સેવા સમિતિ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.શીલ ગામની પુષ્ટિમાર્ગીય શ્રીનાથજીની હવેલી ખાતે મટકી ફોડ તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શીલ પંથકના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકજનો દર્શનાર્થે ઉમટશે. વર્ષોથી શ્રીનાથજીની હવેલીમાં ધાર્મિક પરંપરા જાળવવામાં આવી રહી છે. પૂજ્ય કિશોરચંદ્ર બાવાના આશીર્વાદ તથા બાવાશ્રી પિયુષલાલજી મહોદયની પ્રેરણાથી મુખ્યાજી હર્ષદભાઈ પંડ્યા અને મોનાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાર્મિક પ્રવૃત્તિઓનું સુંદર સંચાલન થઈ રહ્યું છે.
શ્રીકૃષ્ણ જન્મોત્સવના ભાગરૂપે સવારે 9:00 વાગ્યે શ્રીનાથજીની હવેલી ખાતેથી શણગારેલા રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે.ભગવાન શ્રીકૃષ્ણની મનોહર પ્રતિમા સાથે નીકળનારી આ શોભાયાત્રા ગરબી ચોક, જૂની પોસ્ટ ઓફિસ ચોક, ભીડભંજન મહાદેવ, ગઢીયા ઝાંપા, બસ સ્ટેન્ડ અને હનુમાનજી મંદિર થઈને બપોરે 12 વાગ્યે પરત શ્રીનાથજીની હવેલી ખાતે પહોંચશે. શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. યુવાનો અને ગોવિંદા મંડળીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. બાળકો અને યુવાનો વિવિધ વેશભૂષા સાથે ધાર્મિક ઝાંખીઓ રજૂ કરશે, જ્યારે ભજનો, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના જયઘોષથી સમગ્ર શીલ ગામ કૃષ્ણમય બની જશે.આ સમગ્ર આયોજનમાં શીલ વૈષ્ણવ સેવા સમિતિના અગ્રણીઓ, સેવાભાવી દાતાઓ તથા મહિલા સત્સંગ મંડળનો મહત્વપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. મુખ્ય દાતા લંડનના મધુબેન પ્રવીણભાઈ ધાણક તરફથી હવેલીની સેવાપ્રવૃત્તિઓમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે. હવેલી ખાતે દરરોજ શીલ મહિલા સત્સંગ મંડળની બહેનો દ્વારા સેવા આપવામાં આવે છે.ડો.ઈશ્વરભાઈ ભરડા, રામુભાઈ શાહ (મુંબઈ), નીલાબેન દેસાઈ (યુ.એસ.એ.), અલ્પેશભાઈ કગરાણા, પંકજભાઈ ઠાકર, સરપંચ જયેશભાઈ ચુડાસમા,પુર્વ સરપંચ રાજાભાઈ ભરડા,જશવંતભાઈ પરમાર સહિતના આગેવાનોનો સહયોગ મળી રહ્યો છે. સમિતિની બેઠકમાં કેતનભાઈ નરસાણા, પંકજભાઈ ઠાકર, પ્રતાપભાઈ જોશી, જશવંતભાઈ પરમાર, કિરીટભાઈ માવદિયા, હિતેશભાઈ વાજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ, એકતા અને સામાજિક સૌહાર્દના સંદેશ સાથે યોજાનારા આ જન્મોત્સવમાં સમગ્ર શીલ પંથક ભક્તિના રંગે રંગાશે.વધુ માહિતી માટે મુખ્યાજી હર્ષદભાઈ પંડ્યાનો મો.નં.94090-82686ઉપર સંપર્ક કરી શકાશે.
