મેળામાં પ્રવેશ માટે 8 ગેઇટ, 250 સી.સી.ટી.વી. કેમેરા રાખશે બાજ નજર

સુરક્ષા માટે 18 બાઉન્સર અને 20 સીકયુરીટી ગાર્ડ મહાનગરપાલિકા રાખશે ખડેપગે: 30 લાઇટ ટાવર દ્વારા મેળાનું મેદાન ઝળહળશે: 100 સફાઇ સૈનિકો સ્વચ્છતા માટે ફાળવાયા: 14 સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા: ધોધમાર વરસાદ વરસે તો 10-10 હોર્સ પાવરના ચાર ડી વોટરીંગ પંપ રહેશે સ્ટેન્ડ બાય: મેયરે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં અપાઇ જાણકારી

પોરબંદરમા જન્માષ્ટમીના લોકમેળાનું મહાનગરપાલિકા તંત્ર તડામાર તૈયારી સાથે આયોજન કરી રહયુ છે ત્યારે શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હી.
મનપાના મેયર સાગર મોદી અને કમિશ્ર્નર ટી.સી. તીરથાણીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી મેયર મનીષભાઇ શીયાળ વગેરેએ મેળાના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા’ નું સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુવિધાસભર આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવનાર નાગરિકો અને મુલાકાતીઓની સુવિધા, સુરક્ષા, આરોગ્ય અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે, તેવી માહિતી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી.
પ્રવેશ અને સુરક્ષા વ્યવસ્થા
લોકમેળામાં પ્રવેશ માટે કુલ 8 ગેઈટની વ્યવસ્થા. સુરક્ષા માટે 18 બાઉન્સર અને 20 સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. સમગ્ર મેળા વિસ્તારમાં 250 સી.સી.ટી.વી. કેમેરા થી સતત નજર રાખવામાં આવશે. મહાનગરપાલિકા અને પોલીસના અલગ-અલગ 2 ક્ધટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ થશે. ખોવાયેલા બાળકો માટે ખાસ 1 રાવટીની વ્યવસ્થા કરાઈ છે.
લાઈટ અને વીજ વ્યવસ્થા
મેળા ગ્રાઉન્ડમાં 30 લાઈટિંગ ટાવર અને વીજ પુરવઠા માટે 6 જનરેટર ની વ્યવસ્થા. પી.જી.વી.સી.એલ સહિત કુલ 25 લોકોનો સ્ટાફ તૈનાત રહેશે.
ફાયર અને ઈમર્જન્સી વ્યવસ્થા
ફાયર વિભાગના 2 ફાયર વાહનો અને 2 વોટર ટેન્ડર સાથે કુલ 18 કર્મચારીઓ સતત ફરજ પર રહેશે.
ફૂડ સેફ્ટી અને આરોગ્ય સેવા
ફૂડ ચેકિંગ માટે મહાનગરપાલિકાના 3 અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના 6 એમ કુલ 9 સભ્યોની ટીમ ટેસ્ટિંગ વાન સાથે હાજર રહેશે. તોલમાપ વિભાગની 3 કર્મચારીઓની ટીમ પણ કાર્યરત રહેશે. મુલાકાતીઓ માટે બે ઓપીડી અને 8 મેડિકલ સ્ટાફ સાથે 1 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાશે.
પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા
પીવાના પાણી માટે બે સ્થળોએ 5-5 હજાર લીટરના ટાંકા, 3 પાણીના સ્ટોલ અને 8 કર્મચારીઓની વ્યવસ્થા. સ્વચ્છતા માટે 100 સફાઈ કર્મચારીઓ તૈનાત રહેશે. કચરા કલેકશન માટે 10 ગાડીઓ, બે જેસીબી, 2 ડમ્પર અને ડબ્બા ઉપાડવાના 2 વાહનો સહિત કુલ 21 વાહનો અને મોનિટરિંગ માટે 5 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત રહેશે.
સ્ટોલ અને મનોરંજન
ફૂડ ઝોન – 23 સ્ટોલ, રમકડાના – 182 સ્ટોલ, સખી મંડળના – 15, સરકારી – 15, એનજીઓના – 10, પાથરણા/કેબીન/રેકડીના – 144 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે તથા બાળકો માટે 34 રાઈડ્સ, 15 મોટી અને 9 નાની રાઈડ્સ,5 રિઝર્વ પ્લોટ અને 1 મોતનો કૂવો,પાર્કિંગ માટે આસપાસના 14 સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે.
વરસાદી પાણીના
નિકાલની વ્યવસ્થા
પોરબંદરમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ છે છતાં જો મેળા સમયે જ મેઘો ત્રાટકે તો વરસાદને ધ્યાનમાં રાખી 4 ડી-વોટરિંગ પમ્પ (દરેક 10 હોર્સપાવર) સ્ટેન્ડબાય રખાયા છે, જે પ્રતિ કલાક અંદાજે 4 લાખ લીટર પાણીનો નિકાલ કરી શકશે.
અંતમાં મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે, પોરબંદરવાસીઓ અને બહારથી આવતા તમામ મહેમાનોને અમારી અપીલ છે કે શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાની મુલાકાત લઈ સાંસ્કૃતિક અને મનોરંજક માહોલનો આનંદ માણે તથા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરી મેળાને સફળ બનાવવામાં સહયોગ આપે. તેવી મેયર સાગર મોદીએ અપીલ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ