રાણાવાવમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોને ખવડાવવામાં આવે છે ધકકા

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને પાઠવાયુ આવેદન: તાત્કાલિક પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો ફાળવવા થઇ માંગ

રાણાવાવમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોને ધકકા ખવડાવવામાં આવે છે તેથી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પાઠવાયુ છે અને તાત્કાલિક પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો ફાળવવા માંગ થઇ છે.
રાણાવાવ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતુ જેમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઇ દાસા અને રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મિલન સોનીએ આવેદનપત્ર પાઠવીને મામલતદારને જણાવ્યુ હતુ કે રાણાવાવ તાલુકા તથા પોરબંદર જિલ્લાના અનેક ગરીબ, શ્રમિક અને મજૂર પરિવારો પાસે રાશનકાર્ડ હોવા છતાં છેલ્લા ઘણા સમયથી સરકારમાન્ય સસ્તા અનાજની દુકાનેથી ઘઉ, ચોખા, તથા અન્ય અનાજનો જથ્થો નિયમિત મળતો નથી. ઘણા બી.પી.એલ. અને અંત્યોદય કાર્ડધારકોને સર્વર, અંગૂઠા ન લાગવા અને સ્ટોક નથી એવા બહાના હેઠળ ધકકા ખવડાવવામાં આવે છે. પરિણામે મજૂર વર્ગ ભૂખમરાની સ્થિતિમાં મૂકાયો છે.
અમારી માંગણી છે કે જે લાભાર્થી પાસે રાશનકાર્ડ છે તે તમામને સરકારના નિયમ મુજબ પૂરતુ અનાજ તાત્કાલિક આપવામાં આવે. ગરીબીની રેખા નીચે જીવતા તમામ મજૂરો, ખેતમજૂરો, અને ઝૂંપડપટ્ટી વિસ્તારના પરિવારોનું સર્વે કરી નવા રાશનકાર્ડ તાત્કાલિક કાઢી આપવામાં આવે. સસ્તા અનાજની દુકાનો પર નિયમિત ઓડીટ અને સ્ટોક ચકાસણી કરવામાં આવે તથા કાળાબજાર બંધ કરવામાં આવે. અનાજ વિતરણમાં થતી ગેરરીતિ બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો આપને અપીલ છે કે આ ગંભીર બાબતને ધ્યાને લઇ ગરીબો મજૂરોને ન્યાય મળે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અપીલ છ ે.

રિલેટેડ ન્યૂઝ