શ્રીકૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળામાં પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોની બોલશે રમઝટ: રાજ ગઢવી, મયુર દવે, ઈશાની દવે, સાંત્વની ત્રિવેદી સહિતના કલાકારો પોરબંદરવાસીઓને મંત્રમુગ્ધ કરશે
પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાંચ દિવસના પંચરંગી લોકમેળાની મજા માણવા પોરબંદરવાસીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે જેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે પણ જાહેરાત કરવામાં આવી છે.
પોરબંદર નગરપાલિકાના મેયર સાગર મોદી અને કમિશ્ર્નર ટી.સી. તીરથાણીએ જણાવ્યુ હતુ કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રીકૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો-2026નું તા.3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ ચાલનારા આ લોકમેળામાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 3 સપ્ટેમ્બરને ગુરુવારે ભવ્ય લોકડાયરો, રાજ ગઢવી અને મયુર દવે,તા. 4 સપ્ટેમ્બર, શુક્રવારે લાલો યુનિવર્સલ દ્વારા શ્રીકૃષ્ણના ગીતો પર આધારિત વિશેષ સંગીતમય પ્રસ્તુતિ,તા. 5 સપ્ટેમ્બર, શનિવારે ગુજરાતી-હિન્દી સુપરહિટ લાઈવ કોન્સર્ટમાં ઈશાની દવે, તા. 6 સપ્ટેમ્બર, રવિવારે ગુજરાતી ફ્યુઝન અને હિપ-હોપની ધમાકેદાર પ્રસ્તુતિ અઘોરી મ્યુઝિક,તા. 7 સપ્ટેમ્બર, સોમવારે ગુજરાતી લોકસંગીતની સુરીલી સાંજ સાંત્વની ત્રિવેદી વગેરે જેવા કલાકારો પાંચ દિવસ દરમિયાન લોકસંગીત, શ્રી કૃષ્ણ ભક્તિ સંગીત, ગુજરાતી-હિન્દી સુપરહિટ ગીતો, ગુજરાતી ફ્યુઝન, હિપ-હોપ તેમજ ગુજરાતી લોકસંગીત સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમોનો શહેરીજનોને આનંદ માણવા મળશે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદરવાસીઓને પરિવાર સાથે લોકમેળાની મુલાકાત લઈ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
