છાયાના ગાંધી આશ્રમ વિસ્તારમાં પોલીસે પાડ્યો દરોડો: નકલી દારૂ અને નકલી દુધ પછી હવે નકલી ઘીની પણ પોરબંદરમાં બોલબાલા!
પોરબંદર પોલીસે 869 કિલો શંકાસ્પદ ઘી સાથે એક ઈસમને પકડી પાડ્યો છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ભેળસેળયુક્ત પદાર્થોનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધ સઘન કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી.જે અન્વયે પોલીસની ટીમે બાતમીદારોને સક્રિય કરી માહિતી એકત્ર કરતા બાતમી મળેલ કે, કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના છાયા વિસ્તારમાં ગાંધી આશ્રમ પાસે રહેતો નાગાજણ અરજણભાઈ દાસાએ ધીરૂભાઈ નાગાભાઈ ઓડેદરાના ભાડાના મકાનમાં ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી સંગ્રહ કરેલ છે. બાતમી આધારે ટીમે ત્યાં તપાસ હાથ ધરતા મકાનના રૂમમાંથી 15-15 કિલોના 09 ડબ્બા એટલે કુલ 135 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી અને ફ્રેશ કંપની વનસ્પતિ ઘીના 15-15 કિલોના 49 બોક્સ એટલે કુલ 734 કિલો મળી કુલ 869 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. તુરંત જ ફૂડ સેફ્ટી અધિકારી વી.જે. ભાટુ ને જાણ કરાતા તેમના દ્વારા શંકાસ્પદ ઘીના નમૂનાઓ તપાસણી અર્થે કબ્જે કરી સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો હતો અને આરોપી નાગાજણ અરજણભાઈ દાસા વિરૂદ્ધ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પોરબંદર પોલીસની સતત કાર્યવાહી
પોરબંદર પોલીસ દ્વારા આ અગાઉ પણ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા કુંભારવાડામાંથી બનાવટી ઘી બનાવવાની ફેક્ટરી, કમલાબાગ વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી અને કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ટીમ્બીનેશ ગામમાંથી ભેળસેળયુક્ત દુધ બનાવતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેથી પોલીસ માત્ર પરંપરાગત ગુના જ નહીં પરંતુ નાગરિકોના આરોગ્યને સીધી અસર કરતા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ પર પણ સતત નજર રાખી અસરકારક કામગીરી કરવામાં આવશે.
