સાન્દીપનિ વિદ્યાનિકેતન પરિવારે ‘સેવા દિવસ’ તરીકે કરી ઉજવણી: આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન સહિત પર્યાવરણીય પ્રવૃત્તિઓનું થયુ આયોજન: રકતદાન કેમ્પમાં 50 બોટલ લોહી થયુ એકત્ર: આંગણવાડીમાં રમકડા કીટ અને કપડાનું થયુ વિતરણ
પોરબંદરમાં પૂજ્ય ભાઇશ્રીના 70માં પ્રાગટ્ય દિવસે સેવાની અવિરત સરવાણી વહી હતી.
રાષ્ટ્રીય સંત પરમ ભાગવતકાર, શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ સેવાદિવસ અનેક વિધ સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવામાં આવ્યો. પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણા અનુસાર પ્રતિવર્ષ ‘સેવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રાવણમાસના સોમવારના પાવન દિવસે તરીકે સાન્દીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતા બૃહદ્ સાન્દીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
શ્રીહરિ મંદિરમાં વર્ધાપનપૂજા
અને લઘુરૂદ્રાભિષેક
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્ય દિવસના પાવન દિવસે પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ થાય એવા સંકલ્પથી શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિધિવત વર્ધાપનપૂજન વિધિ કરવામાં આવી હતી. આ પૂજાવિધિમાં સાન્દીપનિ ઋષિકુળના અધ્યાપકો પણ જોડાયા હતા. આ વર્ષે સેવાદિવસ શ્રાવણ માસના સોમવારે હોય પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીહરિ મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રી ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવને લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. શ્રીહરિમંદિરના સેવકો, અધ્યાપકો તથા ઋષિકુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર અને વિવિધ દિવ્ય ઉપચારોથી ભગવાન ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવની વિધિવત પૂજા સાથે લઘુરૂદ્રાભિષેક સંપન્ન થયો. અભિષેકપૂજામાં ગૌતમભાઈ ઓઝા પણ જોડાયા હતા તો આ દિવ્ય ક્ષણોના અનેક ભાવિકો સાક્ષી પણ બન્યા હતા. આ સિવાય સાન્દીપનિ પરિસરમાં આવેલા શ્રી સૌમ્ય ભૈરવજી મહારાજની પૂજ્ય 1100 બિલ્વપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા કરવામાં આવી.
સેવાકીય પ્રવૃત્તિઓ-બ્લડ
ડોનેશન કેમ્પ
પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસ સેવાદિવસ નિમિત્તે સાન્દીપનિ પરિસરમાં આવેલ સંસ્કૃત પાઠશાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સાન્દીપનિના અધ્યાપકગણ, ઋષિકુમારો દ્વારા તેમજ કર્મચારીઓ અને પોરબંદર શહેરના અન્ય લોકો દ્વારા સેવાભાવપૂર્વક રક્તદાન કર્યું હતુ. આ સંપૂર્ણ કેમ્પ દરમિયાન 50 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતુ.
સ્વચ્છતા અભિયાન
‘સેવાદિવસ’ના અવસરે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદર શહેરમાં આવેલ સુદામા મંદિર પરિસરમાં સાન્દીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુળ અને ગુરૂકુળના વિદ્યાર્થીઓ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ સુદામા મંદિર પરિસરમાં સફાઈ અભિયાન યોજીને એકઠા થયેલા કચરાનો નિકાલ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આંગણવાડીઓમાં રમકડા કિટ તથા કપડાનું વિતરણ
સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા ધીરજભાઈ તથા તૃપ્તિબેન પંડિત દ્વારા સ્પ્રેડીંગ સ્માઈલના બેનર હેઠળ પોરબંદર શહેરમાં આવેલી આંગણવાડીઓમાં રૂબરૂ જઈને રમકડા કિટનું વિતરણ કર્યું હતું તેમજ ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે નાના-નાના બાળકોને કપડાનું વિતરણ કર્યું હતું. આ રમકડા કિટ તથા વસ્ત્રો આપતાની સાથે જ નાના-ભૂલકાઓના ચહેરા પર અનેરી અનોખી ખુશી છવાઈ હતી.
મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે આવેલા અતિથીઓ અને દર્શનાર્થીઓ માટે સાન્દીપનિમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે ભાવનગરમાં લીલા ગ્રુપ ઓફ કંપનીજ દ્વારા તેમજ ભાવનગર સદ્વિચાર સમિતિના માધ્યમથી દર્દીનારાયણ માટે ટીફીન દ્વારા ભોજનસેવા આપવામાં આવી હતી.
વૃક્ષારોપણ
પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના શુભ સંકલ્પથી પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસ સેવાદિવસના ઉપલક્ષ્યમાં સાન્દીપનિ વિદ્યાનિકેતનના પ્રાંગણમાં સદ્ભાવના સેવા આશ્રમ અને સાન્દીપનિના સંયુક્ત ઉપક્રમે શ્રીહરિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે પૂજ્ય ભાઈશ્રી, પોરબંદરના ધારાસભ્ય તેમજ વન અને પર્યાવરણ મંત્રીઅર્જુનભાઈ મોઢવાડિયા, કલેકટર ધાનાણી, મેયર સાગરભાઈ મોદી, જીલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી તથા સદ્ભાવના સેવા આશ્રમ તરફથી ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક રામજીભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા ગ્રીન પોરબંદરના કોડીનેટર ધર્મેશભાઈ પરમાર, આનંદભાઈ દત્તા, નીરજભાઈ મોનાણી, દિલીપભાઈ પરમાર, નિલેશભાઈ ભૂતિયા, અશોકભાઈ ચૌહાણ, આનંદભાઈ નાંઠા, પિયુષભાઈ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને શ્રીહરિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. શ્રીહરિ વનમાં આગામી દિવસોમાં સાન્દીપનિ તેમજ સદ્ભાવના સંસ્થા દ્વારા વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ જતન કરવામાં આવશે. આ સિવાય સેવાદિવસે સાન્દીપનિ પરિસરમાં સાન્દીપનિના ગુરૂજનો તથા ઋષિકુમારો દ્વારા બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
ગૌ સેવા
સેવાદિવસના ઉપલક્ષ્યમાં સાન્દીપનિ ગૌશાળામાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગૌપૂજન કરીને ગાયોને લાડુનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે ગૌતમભાઈ ઓઝા તેમજ ભાવિકો પણ સાથે જોડાયા હતા.
ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા સોમનાથ દર્શન યાત્રા
પૂજ્ય ભાઈશ્રીના પ્રાકટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા પોરબંદર શહેરની 51 જેટલી મહિલાઓને શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે નિ:શુલ્ક સોમનાથ, ત્રિવેણીતીર્થ, ભાલકાતીર્થ, માધવપુર લોયેજ જેવા અનેક ધાર્મિક સ્થળોની યાત્રા-દર્શન કરાવવામાં આવ્યા હતા. સૌ મહિલાઓએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ સિવાય આ સેવાદિવસ નિમિત્તે સાન્દીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સહિત પોરબંદરની સંસ્થાઓએ, દેશ-વિદેશમાં વસતા સાંદીપનિના બૃહદપરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો તથા અન્નકિટ વિતરણ, વિદ્યાદાન, મેડીકલ કેમ્પસ, વૃક્ષારોપણ ગૌસેવા, જરુરિયાતમંદોને રાશનકિટ વિતરણ, ભોજન સેવા જેવા અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ સંસ્થા દ્વારા યોજાયેલ દરેક પ્રવૃત્તિમાં સાંદીપનિના ટ્રસ્ટી, ઋષિકુળ અને ગુરુકુળના અધ્યાપકો, સેવક ઋષિઓ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
