પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

રાણાવાવ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવાયુ આવેદન: ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવા પણ થયુ સૂચન

પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રાણાવાવ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પાઠવાયુ હતુ અને ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવા પણ સૂચન થયુ હતુ.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રતાપભાઇ ખિસ્તરીયા, રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મિલન સોની અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઇ દાસાએ પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અત્યંત ઓછો વરસાદ પડેલ હોવાને કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતીપાકને ભારે નુકશાન થયેલ છે.
વરસાદની અછતના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને ખેતી સંપૂર્ણપણે સંકટમા મુકાઇ છે. પીવાના પાણીની તેમજ પશુઓ માટે ઘાસચારાની તીવ્ર અછત સર્જાઇ છે. જિલ્લામાં તળાવો, ચેકડેમ તથા જળાશયો સુકાઇ ગયેલ છે અને ભુગર્ભ પાણીના સ્તર નીચા જઇ રહ્યા છે.આ સમયે જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો મુશ્કેલ પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યા છે. આથી પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વિવિધ માંગણીઓ મંજૂર કરી તાત્કાલિક રાહત કાર્યો હાથ ધરવા અપીલ કરીએ છીએ.
વિવિધ માંગણીઓ થઇ રજૂ
આવેદનમાં વિવિધ માગણીઓ રજૂ થઇ હતી જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરી પાછી ગુજરાતમાં લાગુ કરવામાં આવે. પોરબંદર જિલ્લાના નાના મોટા તળાવોને સૌની યોજના થકી ભરી આપવામાં આવે. ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવામાં આવે, જિલ્લા તળાવો, ચેકડેમ અને જળાશયોની તાત્કાલિક ઉંડાઇ અને સફાઇ કામગીરી હાથ ધરવામાં આવે. મહાત્મા ગાંધી રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) યોજના હેઠળ કામના દિવસો 100થી વધારી 200 દિવસ કરવામાં આવે. પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક ઉભી કરવામાં આવે. નર્મદા કેનાલનું પાણી પોરબંદર જિલ્લામાં તાત્કાલિક છોડી કૃષિ અને પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગણી થઇ હતી.
આથી આપને અપીલ છે કે ઉપરોકત બાબતને અતિગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરી પોરબંદર જિલ્લાના ખેડૂતો તથા ગ્રામજનોને રાહત મળે તે માટે યોગ્ય નિર્ણય તથા આદેશ કરવામાં આવે.તે પ્રકારની રજૂઆતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ