નરસંગ ટેકરી ખાતે પોલીસ કેબીનની બાજુમાં જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા

ફ્લાય ઓવર બ્રિજ નીચે ખાનગી બસ અને રીક્ષાઓના આડેધડ પાર્કિંગથી લોકો ત્રસ્ત: ટ્રાફિક નિયમનું પાલન કરાવવા પોરબંદર ટ્રાફિક શાખા કયારે જાગશે?

નરસંગ ટેકરી ખાતે પોલીસ કેબીનની બાજુમાં જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. ફ્લાય ઓવર બ્રિજ નીચે ખાનગી બસ અને રીક્ષાઓના આડેધડ પાર્કિંગથી લોકો ત્રસ્ત બન્યા છે. તેથી ટ્રાફિક નિયમનું પાલન કરાવવા પોરબંદર ટ્રાફિક શાખા કયારે જાગશે? તેવા સવાલ સાથે રજૂઆતો થઇ છે.
પોરબંદરમાં એક તરફ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોના પાલન માટે લોકોને દંડવામાં આવે છે અને જાગૃતિના બોર્ડ લગાવવામાં આવે છે, તો બીજી તરફ ફ્લાય ઓવર બી્રજ નીચે, પોલીસ કેબીનની બાજુમાં જ ટ્રાવેલ્સની બસો અને રીક્ષાઓ દ્વારા આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.
રોકડીયા મંદિર તરફ જતા રોડ ઉપર મીડલ પીલરની ડાબી બાજુનો રસ્તો આ પાર્કિંગને કારણે સંપૂર્ણ બંધ થઈ જાય છે. રોજબરોજ એક બસ જાય એટલે તરત જ બીજી બસ ત્યાં ગોઠવી દેવામાં આવે છે. આ જગ્યાએ ત્રણ રસ્તા ભેગા થતા હોવાથી ત્યાં સતત ટ્રાફિક રહે છે. બસોના કારણે વાહનચાલકો, સ્કૂલના બાળકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આ જ રીતે નરસંગ ટેકરી સર્કલ પાસે, ઉદ્યોગનગર રેલ્વે ફાટક તરફ જતા રસ્તા ઉપર પણ આડેધડ રીક્ષાઓ અને ટ્રાવેલ્સ બસોનું પાર્કિંગ કરવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે.જો આ બસો અને રીક્ષાઓને થોડી દૂર પાર્ક કરવામાં આવે તો ત્રણ રસ્તા પરની ટ્રાફિક સમસ્યા સાવ દૂર થઈ જાય તેમ છે.
આમ, એક બાજુ પોલીસ ટ્રાફિક નિયમ પાલનની વાતો કરે છે અને બીજી બાજુ પોલીસ કેબીનની બાજુમાં જ આવા આડેધડ પાર્કિંગ થતા હોવાથી લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.તંત્રને અપીલ છે કે આ જગ્યાને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી, બસો અને રીક્ષાઓનું પાર્કિંગ અન્ય યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે અને લોકોની આ રોજિંદી મુશ્કેલી દૂર કરવામાં આવે. તેવી માંગણી થઇ છે.

રિલેટેડ ન્યૂઝ