ગોઢાણા વિસ્તારની બે સગીરાના અપહરણ કરનાર શખ્સો સુરતથી ઝડપાયા

દોઢ મહિના પહેલા બન્યો હતો બનાવ:કાટવાણા રહેતા યુવાનોને સગીરાઓ સાથે સુરતના કામરેજ ખાતેથી પકડી લેવાયા: તરૂણીઓની મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી

પોરબંદર નજીકના ગોઢાણા વિસ્તારની બે સગીરાઓના દોઢ મહિના પહેલા અપહરણ થયા હતા જેમાં બંને સગીરાઓ અને બંને યુવાનોને બગવદર પોલીસે સુરતના કામરેજ ખાતેથી શોધી લીધા છે અને મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
10 મી જુલાઈના બન્યો હતો બનાવ
ગોઢાણા વિસ્તારના યુવાને બગવદર પોલીસ મથકમાં 10 મી જુલાઈએ બનેલા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી કે નવમી જુલાઈએ તે પોતાના પરિવાર સાથે રાત્રીના સમયે સુઈ ગયો હતો અને 10 મી જુલાઈએ સવારે છ વાગ્યે ઊઠીને તેની પત્નીએ અને તેણે જોયું તો તેની સગીર વયની દીકરી ઘરે જોવામાં આવી ન હતી. એ દરમિયાન પાડોશમાં તપાસ કરતા તેના કુટુંબ ના સંબંધી ની દીકરી પણ સગીર વયની હતી તે પણ જોવા મળી ન હતી. આથી બંને પરિવારો એ આડોસ પાડોશમાં તપાસ કરી હતી પરંતુ મળી આવ્યા ન હતા. સગા સંબંધીઓને જાણ કરવા છતાં બંને સગીરાઓનો ક્યાંય પતો મળ્યો નહોતો.
એ દરમિયાન એવી માહિતી મળી હતી કે કાટવાણા ગામમાં રહેતા ડાયા જીવણા કટારા નો દીકરો પૂંજો અને કિસા કરસન કટારા નો દીકરો રમેશ પણ ગુમ થયા છે. જેથી બંને પરિવારજનો એ તપાસ કરતા ફરિયાદીની દીકરીને રમેશ અને તેના સંબંધીની દીકરીને પૂંજો બગાડી ગયો હતો. બંને સગીરાઓ 17 વર્ષની હતી જેથી બધા કામ કરવાના ઇરાદે લાલચ આપી બાલ્યાવસ્થા નો ઉપયોગ કરી ફરિયાદીના કાયદેસરના વાલીપણા માંથી ભગાડી ગયા નું જણાવ્યું હતું. જેથી બગવદર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
સુરતમાંથી મળી આવ્યા
બગોદર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર રણવીર સિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા આ બનાવ અંગે તાત્કાલિક તપાસ શરૂ કરીને બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી બહાર આવી હતી કે બંને યુવાનો અને બંને સગીરાઓ સુરતના કામરેજ ખાતે છે. તેથી બગવદર પોલીસની ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી અને સગીરાઓ સાથે બંને યુવાનોને શોધીને બગવદર લાવવામાં આવ્યા હતા. તથા પૂછપરછ કરવામાં આવતા ભગાડવામાં સાજણ કટારા નામના યુવાને મદદગારી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી. અને બંને સગીરાઓને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ પ્રકારનો ગંભીર બનાવ બબ્બે સગીરાઓના અપહરણનો બન્યો હોવા છતાં પોલીસના ડેઇલી રિપોર્ટમાંથી તેને ગાયબ કરી દેવામાં આવ્યો હતો અને પ્રેસ સુધી સમગ્ર વિગત બહાર આવી ન હતી. તેથી પોરબંદર પોલીસની નીતિ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ બનતી જાય છે. અપહરણ જેવા ગંભીર બનાવવામાં પણ જો આરોપીઓને પોલીસ દ્વારા છાવરવામાં આવતા હોય તો હવે આ મુદ્દે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી થઈ છે.

રિલેટેડ ન્યૂઝ