એલાવ… મેળાના હરખપદુડાઓ… રાઇડ્સની સલામતીની તપાસ તો કરો !

પોરબંદરના લોકમેળામાં ફીટ થઇ રહેલી રાઇડ્સની મજબૂતાઇ, ફીટનેશ સર્ટી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની થઇ માંગ: ટેકનીકલ સેફટી ઓડિટ કરાવવા કલેકટરને એડવોકેટ દ્વારા પાઠવાયુ આવેદન

પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાના આયોજનના હરખપદુડા તંત્રએ રાઇડસ ફીટ કરવાની કામગીરીમાં સલામતીની પૂરતા પ્રમાણમાં તપાસ કરી નહી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે ત્યારે તે અંગે કલેકટરને લેખિતમાં રજૂઆત સાથે ફરિયાદ કરવામાં આવી છે.
પોરબંદરના એડવોકેટ કમ આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરાએ જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીને પત્ર પાઠવી જણાવ્યુ છે કે પોરબંદર લોકમેળામાં જૂની તથા સંભવિત રીતે જોખમી રાઈડ્સના સંચાલન અંગે ગુજરાત સરકારના અમલમાં આવેલા સલામતી નિયમો મુજબ તાત્કાલિક તપાસ કરી જોખમી રાઈડ્સ બંધ કરાવવા માંગણી છે.
પોરબંદર લોકમેળામાં મોટી સંખ્યામાં નાગરિકો તથા બાળકો મનોરંજન માટે આવે છે. મેળામાં વિવિધ પ્રકારની યાંત્રિક રાઈડ્સ લગાવવામાં આવે છે. તેમાં અમુક રાઈડ્સ જૂની તથા લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી હોવાના કારણે તેમની સ્ટ્રક્ચરલ મજબૂતાઈ, મેટલ ફેટીગ, વેલ્ડિંગ, નટ-બોલ્ટ, વાયર રોપ, ચેઈન તથા અન્ય મહત્વના ભાગોની સલામતી અંગે યોગ્ય ચકાસણી કરવી અત્યંત જરૂરી છે.
ગુજરાત સરકારના ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડસ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ સેફટી રુલ- 2024 હેઠળ મનોરંજન રાઈડ્સની સલામતી, જાળવણી, ઉપયોગ, સંચાલન તથા નિરીક્ષણ માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં અગાઉથી સ્થાપિત જૂની રાઈડ્સ માટે પણ લાયકાત ધરાવતા વ્યક્તિનું ફીટનેશ સર્ટીફિકેટ તથા જરૂરી ટેકનિકલ તપાસની જોગવાઈ છે. ઉપરાંત ફુલ્લ લોડ ટેસ્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ,સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટીફિકેટ ,મેટલ ફેટીગ / એન.ડી.ટી. ટેસ્ટ, ઇલેકટ્રીકલ સેફટી તથા ફાયર સેફટી સંબંધિત પ્રમાણપત્રો જેવી બાબતો પણ જરૂરી રાખવામાં આવી છે.
આથી જો કોઈ જૂની રાઈડની નક્કી કરેલી આયુષ્ય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય, તેની સ્ટ્રક્ચરલ મજબૂતાઈમાં ખામી હોય, જરૂરી ફીટનેશ સર્ટીફિકેટ ન હોય અથવા નિયમિત જાળવણી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન થયેલ ન હોય, તો આવી રાઈડને માત્ર મેળો ચાલી રહ્યો છે તે કારણસર ચાલુ રાખવી જાહેર જનતાની સુરક્ષા માટે ગંભીર જોખમ બની શકે છે.
રાજકોટ ટી.આર.પી.ગેમ ઝોન જેવી ગંભીર દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને પોરબંદરમાં પણ અકસ્મત બને ત્યારબાદ કાર્યવાહી કરવાને બદલે આગોતરી સલામતી તપાસ કરવી જરૂરી છે.આથી આપને અપીલ છે કે લોકમેળામાં આવેલી તમામ રાઈડ્સનું તાત્કાલિક ટેકનિકલ સેફ્ટી ઓડિટ કરાવવામાં આવે. ખાસ કરીને જૂની રાઈડ્સ માટે ફીટનેશ સર્ટીફિકેટ તથા નિષ્ણાત દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રો તપાસવામાં આવે. દરેક રાઈડની મેન્યુફેક્ચરિંગ તારીખ, નિર્ધારિત આયુષ્ય (પ્રીસ્ક્રાઇબ્ડ લાઇફ ) અને અત્યાર સુધીના ઓપરેટિંગ/મેન્ટેનન્સ રેકોર્ડ તપાસવામાં આવે. સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફિકેટ તથા જરૂરી થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન રીપોર્ટ તપાસવામાં આવે. મેટલ ફેટીગ વેલ્ડિંગ, વાયર રોપ, ચેઈન, નટ-બોલ્ટ અને અન્ય મહત્વના ભાગોની જરૂરી એન.ડી.ટી.ટેકનિકલ તપાસ કરાવવામાં આવે.. દરેક રાઈડનું ફૂલ લોડ ટેસ્ટ સર્ટીફિકેટ તપાસવામાં આવે.ઇલેકટ્રીક સેફટી અર્થીંગ , એમ.સી.બી. , /આર.સી.સી.બી. તથા અન્ય ઇલેક્ટ્રિકલ સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવે.ફાયર સેફટી તથા જરૂરી ફાયર એન.ઓ.સી. ની ચકાસણી કરવામાં આવે.. જે રાઈડ પાસે જરૂરી પ્રમાણપત્રો ન હોય અથવા જે રાઈડ ટેકનિકલી અસુરક્ષિત જણાય તેને તાત્કાલિક સીલ કરી જાહેર ઉપયોગ માટે બંધ કરવામાં આવે. રાઈડ ઓપરેટરોને જરૂરી તાલીમ અને લાયકાત છે કે નહીં તેની તપાસ કરવામાં આવે. રાઈડની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવતા નથી તેની કડક દેખરેખ રાખવામાં આવે.. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શંકાસ્પદ તથા જૂની રાઈડ્સનું સંચાલન અટકાવવામાં આવે. ઉપરોક્ત તમામ તપાસના અહેવાલ અને પ્રમાણપત્રોની વિગતો જાહેર કરવામાં આવે. નિયમોનો ભંગ કરનાર રાઈડ માલિક, ઓપરેટર અથવા જવાબદાર આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
લોકમેળામાં લોકોના મનોરંજન કરતાં તેમના જીવનની સુરક્ષા સર્વોપરી છે. તેથી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે ગુજરાત સરકારના 2024ના સલામતી નિયમો મુજબ તમામ રાઈડ્સની આગોતરી અને નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરાવી જોખમી રાઈડ્સ તાત્કાલિક બંધ કરાવવામાં આવે, તેવી મારી ગંભીર રજૂઆત છે. તેમ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરાએ જણાવ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ