આદિત્યાણામાં ભૂગર્ભ જળના ગેરકાયદેસર વેપારને બંધ કરાવો

રાણાવાવ નગરપાલિકાના સદસ્ય દ્વારા ચીફ ઓફિસરને થઇ રજૂઆત

આદિત્યાણામાં ભૂગર્ભ જળના ગેરકાયદેસર વેપારને બંધ કરાવવા માટે રાણાવાવ નગરપાલિકાના સદસ્ય દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત થઇ છે.
રાણાવાવ નગરપાલિકાના સદસ્ય માલદેભાઇ પરબતભાઇ મોઢવાડીયાએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી એવી રજૂઆત કરી છે કે આદિત્યાણા ગામમાં ઘણા લાંબા સમયથી અમુક સ્વાર્થી તત્વો દ્વારા કોઇપણ જાતની પરવાનગી વગર અવિરત અને ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળનું શોષણ કરીને પાણીનો વ્યાપારી ધોરણે ધંધો કરવામાં આવી રહ્યો છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે અમારા આદિત્યાણા વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તર ખુબજ ઝડપથી નીચે ઉતરી રહ્યા છે. પરિણામે સ્થાનિક રહીશો તથા ખેડૂતો માટે પીવાના તેમજ ખેતીના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતો માટે ખેતી કરવી અશકય બનશે અને સમગ્ર ગામમાં પીવાના પાણીની વિકટ કટોકટી ઉભી થશે.
વધુમાં પાણીના સ્તર વધુ પડતા નીચે જવાથી પાણીમાં ક્ષાર (ટી.ડી.એસ.)નું પ્રમાણ અતિશય વધી ગયુ છે. આ ક્ષારયુકત પાણીનો ઉપયોગ કરવાથી ગામલોકોમાં કીડનીસ્ટોન (પથરી) જેવા ગંભીર રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમજ પશુઓમાં પણ અસાધ્ય બીમારીઓના લક્ષણો જોવા મળી રહ્યા છે. વળી,જળસ્તર ઘટવાના કારણે વન્યજીવો (મગર, અજગર) વગેરે પાણીની શોધમાં સીમ અને રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે. જેના તાજેતરમાં જ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.) અનેે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરીટી (સી.જી. ડબલ્યુ.એ.)ના નિયમો મુબજ વાણિજ્યિક હેતુ માટે ભૂગર્ભ જળનું બિન અધિકૃત શોષણ એ કાનૂની ગુનો છે. આ પ્રવૃત્તિ પર્યાવરણ અને જળ સંપત્તિનું સીધુ ઉલ્લંઘન છે.
વર્તમાન સમયે વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધુ નુકશાન પહોંચાડી રહી છે. આ વેપારમાં 20,000 લીટરની ક્ષમતા ધાવતા આશરે 12 થી 15 જેટલા મહાકાય ટેન્કરો 24 કલાક કાર્યરત છે. એક ટેન્કર રોજના સરેરાશ 5 ફેરા (ટ્રીપ) કરીને અંદાજે 1 લાખ લીટરથી વધુ પાણી ઉપાડે છે. આ ઉપરાંત અન્ય નાના વાહનો મારફતે પણ સતત પાણીનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યુ છે.
આથી આપને અપીલ છે કે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ, અછતના સમયમાં સર્જાનારી પીવાના પાણીની કટોકટી અને જનઆક્રોશને રોકવા માટે આ ગેરકાયદેસર ભૂગર્ભ જળ ઉપાડતા ટેન્કરો અને સિંચાઇ પોઇન્ટસ પર તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરી આ વેપાર સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવે. આશા છે કે આપ આ બાબતે સત્વરે યોગ્ય અને દાખલારૂપ પગલા ભરશો. તેમ માલદેભાઇ પરબતભાઇ મોઢવાડીયાએ તથા મેઘજીભાઇ ખીમજીભાઇ મકવાણાએ રજૂઆત કરી છે.

રિલેટેડ ન્યૂઝ