પોરબંદરમાં ચોરે ને ચૌટે આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સુદામા મંદિર, અસ્માવતી ઘાટ, ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સ્થળ, ઝુંડેશ્ર્વર મહાદેવ મંદિર, રાજમહેલ અને સસ્તા અનાજની દુકાનો ખાતે પ્રગટયા આર્શીવાદરૂપી દીવડા: કેબીનેટમંત્રી સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પોરબંદરમાં આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાયો હતો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમો યોજાયા હતા.
વિવિધ સ્થળોએ આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પોરબંદરના વિવિધ સ્થળોએ આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહભાગી થયા હતા.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા દેશના નાગરિકોને સુરક્ષા અને સહયોગ મળી રહ્યો છે. આ પ્રસંગે તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.પોરબંદર શહેરમાં અસ્માવતી ઘાટ ખાતે ખારવા સમાજ દ્વારા ઘાટ તેમજ દરિયામાં ઊભેલી હોળીઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુદામા મંદિરના પ્રાંગણ, લખ ચોરાસી પરિક્રમા સ્થળ, પેરેડાઈઝ ફુવારા પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થળે તેમજ ઝુંડેશ્ર્વર મહાદેવ મંદિર, ઝુંડાળા ખાતે પણ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને જન પ્રતિનિધિઓ, નાગરિકો, સમાજના અગ્રણીઓ અને ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અને ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી સેવાયાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, કમિશ્ર્નર ટી.સી તીરથાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સસ્તા અનાજની દુકાને આયોજન
નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત પોરબંદર જિલ્લાના તમામ વાજબી ભાવની દુકાનદારો તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પી.એમ.જી. કે.એ.વાય.)ના લાભાર્થીઓ દ્વારા આશીર્વાદનો દીવો પ્રગટાવી વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે લાભાર્થીઓએ સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી જરૂરિયાતમંદ પરિવારોને મળતી અન્નસુરક્ષાની સુવિધા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી આશીર્વાદનો દીવો પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી.સેવા સંકલ્પ અભિયાન અન્વયે સપ્ટેમ્બર-2026 માસ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને ઘઉં, ચોખા અને બાજરીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ વાજબી ભાવની દુકાનો મારફતે લાભાર્થીઓને અનાજનું વિતરણ કરી સરકારની આ કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો હતો.
રાજમહેલ ખાતે કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પોરબંદર રાજમહેલ ખાતે આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહભાગી થયા હતા.આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મેયર સાગર મોદી સહિતના મહાનુભાવોએ ભારતના નકશામાં વિઝન-2047ની આકૃતિ તૈયાર કરી દીવડાઓ પ્રગટાવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો, અગ્રણીઓ તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમજ દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણ ઓડેદરા કોર્પોરેટરો સહિતના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

જન્મદિવસ નિમિત્તની સ્પર્ધામાં બાળકો માટે રાખેલા અઘરા વિષયથી આશ્ર્ચર્ય !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાના માધ્યમથી જોતરવાનો પ્રયાસ થયો છે પરંતુ તેના વિષયો એટલી હદે અઘરા છે કે નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવા સિવાય તેમાં કશુ આવતુ નથી. પ્રાથમિક શાળાના બાળકોને સામાન્ય વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન થયુ હોય તો હજુ લખી કે બોલી શકે પરંતુ અહીંયા તો જ્યોતિગ્રામ યોજના, સુજલામ સુફલામ્ યોજના, કૃષિ મહોત્સવ, સ્વચ્છ ભારત અભિયાન, ડીજીટલ ઇન્ડિયા, ગરીબ કલ્યાણ મેળો, મેક ઇન ઇન્ડિયા, આયુષ્યમાન ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વન્દે ભારત અને બુલેટ ટ્રેન, ઇસરોની અંતરીક્ષની સફળ, વાયબ્રન્ટ ગુજરાત અને જી-20 સમીટના માધ્યમથી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ જેવા અઘરા વિષય રાખવામાં આવ્યા છે જેથી પ્રાથમિક શાળાના બાળકો તો ઠીક પણ કોલેજના વિદ્યાર્થીઓ પણ માથુ ખંજવાળવા માંડે તેવા વિષયની પસંદગી બદલ આશ્ર્ચર્ય સાથે આક્રોશ પણ દેખાયો હતો.

તંત્રના અધિકારીઓ કામગીરી કોરાણે મૂકીને ઉજવણીમાં ફરજીયાત જોડાયા !
પોરબંદરમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ તમામ કામગીરી નેેવે મૂકીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીમા ં જોડાયા હતા જેથી સરકારી કામગીરીમાં વિક્ષેપ સર્જાવાની સાથોસાથ લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો ત્યાં સુધી કે ગણેશ
મહોત્સવના વિસર્જન અંગેનુ જાહેરનામુ સમયસર બહાર પાડવાથી માંડીને તેનું વિસર્જન કયાં કરવાનુ છે? તેની ગાઇડલાઇન પણ બહાર પાડવાનુ અને જાહેર કરવાનું વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાનું તંત્ર ભૂલી ગયા હોવાથી ઉચ્ચ અધિકારીઓનો કાન આમળવામાં આવ્યા બાદ રાત્રે સાડા દસ વાગ્યે વિગતો જાહેર કરી હતી.

લોકોની પાંખી હાજરીથી કાર્યક્રમ નિરસ બન્યો
લોકોની પાંખી હાજરીથી કાર્યક્રમ નિરસ બન્યો હતો અને દિવડા પ્રગટ્યાના ફોટા સોશ્યલ મીડિયામાં શેર કરવા સિવાય મોટા ભાગના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કશું કર્યુ ન હતુ તેથી આવા કાર્યક્રમ ફોટોસેશન પૂરતા સીમિત રહી ગયા હોય તેવુ જણાતુ હતુ. મહત્વની બાબત એ હતી કે દેશના વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિનો જન્મદિવસ હોય અને આંગળીના વેઢે ગણાય તેટલા જ લોકોની હાજરી હોય તે આયજકો માટે શરમજનક હોય તેવું વિરોધપક્ષોએ જણાવ્યુ હતુ.

દીવડા પ્રગટાવવામાં નગરજનોને કોઇ રસ નહી!
વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે દીવડા પ્રગટાવવાના આ કાર્યક્રમમાં આમ નગરજનોને કોઇ રસ હોય તેવુ જણાયુ ન હતુ અને ભાજપના આગેવાનો સહિત આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો સિવાય સામાન્ય પબ્લિક કયાંય દેખાઇ ન હતી. મહત્વની બાબત એ છે કે કેબીનેટમંત્રી સહિત મહાનુભાવો હોવા છતાં ભાજપના કાર્યકરો પણ એટલી મોટી સંખ્યામાં કયાંય દેખાયા ન હતા. મોંઘવારી, બેરોજગારી, સહિત સમસ્યાઓ પોરબંદરમાં એટલી હદે ઘર કરી ગઇ છે કે લોકોને બે ટંક કમાવવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમમાં દીવા પ્રગટાવવા સ્વાભાવિક રીતે જ કોઇ ઉત્સાહ ના હોય તે આ કાર્યક્રમથી સ્પષ્ટ થયુ હતુ.

રિલેટેડ ન્યૂઝ