પતિએ લાકડીથી, સસરાએ સાવરણીથી અને દીયરે વાળ પકડીને ઇજા પહોચાડી: લગ્નજીવનના એક મહિના પછીથી જ શારીરિક માનસિક ત્રાસનો ભોગ બનેલી મહિલાએ અંતે નોંધાવી પોલીસ ફરિયાદ: રાણાકંડોરણાના સુશિક્ષીત પરિવાર સામે ગુન્હો દાખલ થતા જાગી ચકચાર
પોરબંદરની એક યુવતીના લગ્ન રાણાકંડોરણા ગામે થયા હતા. પતિ સહિત સાસરીયાઓએ અસહ્ય ત્રાસ આપતા પતિએ લાકડીથી, સસરાએ સાવરણીથી અને દીયરે વાળ પકડીને ઇજા પહોચાડી હોવાનું જણાવી પોલીસ ફરિયાદ નોંધાવતા સુશિક્ષીત પરિવાર સામે ગુન્હો દાખલ થતા ભારે ચકચાર જાગી છે.
પોરબંદરના સુતારવાડામાં પંજાબ નેશનલ બેન્કની બાજુમાં રહેતા દિનેશભાઇ કલ્યાણજીભાઇ જોષીની 30 વર્ષની દીકરી સોનાલીએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ પાર્થ જોષી, સસરા નલીન જોષી, દીયર અમિત જોષી તથા રાજકોટ રહેતી નણંદ સ્મિતા ભટ્ટ સામે શારીરિક માનસીક ત્રાસની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે તા. 3-12-2017ના સોનાલીના લગ્ન પાર્થ જોષી સાથે જ્ઞાતિના રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. અને લગ્નજીવન દરમ્યાન સંતાનમાં સાત વર્ષનો દીકરો જયદેવ છે અને છેલ્લા સાત મહિનાથી સોનાલી પોરબંદર ખાતે તેના પીયરીયે રહે છે.લગ્ન પછી રાણાકંડોરણા રહેવા ગઇ ત્યારે સંયુકત પરિવારમાં રહેતા હતા એક મહિના સુધી ઘરસંસાર સારો ચાલ્યા બાદ પતિ સહિત સાસરીયાઓ નાની નાની બાબતમાં અને ઘરકામ બાબતે બોલાચાલી કરતા હતા. નણંદ સ્મિતા ચડામણી કરતી હતી.
વર્ષ 2018માં સોનાલી સગર્ભા બનતા જ્ઞાતિના રીતરિવાજ મુજબ શ્રીમંત રાખવાનું હોય છે એ સમયે પણ શ્રીમંતનો ખર્ચ કરવો નહી હોવાથી સસરા નલીન નારણ જોષી અને નણંદ સ્મિતાએ બોલાચાલી કરીને ઘરેથી કાઢી મૂકી હતી તેથી એક મહિનો સોનાલી પીયરીયે રોકાઇ હતી. એ પછી પતિ પાર્થે ફોન કરીને ‘ અમે શ્રીમંતનો ખર્ચ કરી લેશુ તું તારા ભાઇને કહી દે કે મૂકવા આવે’ તેથી સોનાલીએ ભાઇ કશ્યપને વાત કરતા તે બહેનને સાસરીયે મુકી ગયો હતો.
ત્યાર પછી પણ સસરાપક્ષના આ ચારે સભ્યો વાતે વાતે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા તે દરમ્યાન વર્ષ 2021માં નણંદ સ્મિતાના લગ્ન રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગુંજન બસેરા સોસાયટીમાં રહેતા જય ભટ્ટ સાથે થયા હતા.
વર્ષ 2024માં સોનાલીએ પતિ પાર્થ જોષીને એવુ કહ્યુ હતુ કે, ‘આપણે હવે મોટા સીટીમાં રહેવા જતા રહીએ.’ ત્યારે પાર્થે ‘મારાભાઇ અમિતના લગ્ન થઇ જાય પછી જતા રહેશુ’ એમ કહ્યુ હતુ. પરંતુ ત્યારબાદ પણ મોટા સીટીમાં રહેવા ગયા ન હતા.
એ પછી તા. 5-5-2025ના દીકરા જયદેવની જનોઇ હતી અને બીજા દિવસે 6-5ના દીયર અમિતના લગ્ન હતા તેથી બંને પ્રસંગ સાથે હોવાથી જયદેવની જનોઇના જે પૈસા આવે તે દીકરા જયદેવના બેન્ક એકાઉન્ટમાં નાખવા તેમ સોનાલીએ પતિ પાર્થને જણાવ્યુ હતુ. આ બાબતે રાત્રે સસરા નલીન અને દીયર અમિતે જોરદાર ઝઘડો કર્યો હતો.
દીયરના લગ્ન થઇ ગયા બાદ દોઢ મહિના પછી ફરીથી સોનાલીએ પાર્થને ‘તમારા ભાઇ અમીતના લગ્ન થઇ ગયા છે. હવે આપણે મોટા સીટીમાં રહેવા જતા રહીએ.’ તેમ કહેતા પતિએ ‘હાલમાં અમિત તેની પત્ની સાથે જામનગર રહેવા જાય છે એટલે આપણે હવે જવુ નથી’ તેમ કહી દીધુ હતુ.
ત્યારબાદ પતિને ‘મારાથી ઘરનું બધુ કામ થતુ નથી તમે કામવાળી રાખી દો’ તેમ કહેતા પતિએ ફરીયાદીના સસરાને કામવાળી અંગે વાત કરતા સસરાને કામવાળી રાખવી ન હતી તેથી ‘કામવાળીના ભાગનું કામ તારો પતિ પાર્થ કરશે’ તેમ કહ્યુ હતુ. પછી પાર્થે પણ ‘સોનાલી તારે અહીં રહેવુ હોય તો ઘરનું બધુ જ કામ કરવુ પડશે. અને ના રહેવુ હોય તો તું તારા દીકરા સાથે માવતરે જઇ શકે છે’ કહી દીધુ હતુ.
તા. 29-6-25ના રાત્રે 11 વાગ્યે સોનાલી ઘરે થેલો લેવા ગઇ ત્યારે દીયર અમિતે વાળ ખેંચીને ધકકો મારતા નીચે પડી ગઇ હતી અને પગમાં ઇજા થતા પતિ પાર્થે પત્નીના પીયરીયાઓને ફોન કરતા તેઓ સોનાલીને લેવા આવ્યા હતા.
તા. 30-6ના રાતના ત્રણ વાગ્યે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સોનાલીને લઇ ગયા હતા અને દુ:ખાવો વધુ થતો હોવાથી ઇન્જેકશન અપાયા હતા.
વધુ સારવાર માટે પોરબંદરની ન્યુ લાઇફ હોસ્પિટલમાં લઇ જવાતા સ્નાયુ દબાયા હોવાથી એક મહિનો પ્લાસ્ટરવાળો પાટો રાખવો પડશે તેમ જણાવાયુ હતુ તેથી પગમાં પાટો બાંધીને એક મહીનો પીયરીયે આરામ કર્યો હતો.
મહિના દિવસ પછી સાસરીયા પક્ષના સભ્યો લેવા આવ્યા હતા અને ‘હવે અમે મારશુ નહી’ તેમ કહ્યુ હતુ. તેથી સોનાલીએ ‘દીયર અમીત મારા ઉપર હાથ ઉપાડે છે તેથી મારે આવવુ નથી’ તેમ કહેતા તેઓએ ‘અમિત તો જામનગર ખાતે રહેવા ચાલ્યો ગયો છે તૂ ચાલ’ તેથી સોનાલી ફરીથી સાસરીયે રહેવા ગઇ હતી.
તા.18-2-2026ના રાત્રે સોનાલીને પેટમાં ગેસ જેવુ થતુ હોવાથી પતિ પાર્થ જોષીને ‘મને ગેસ જેવુ થાય છે પેટમાં દુ:ખે છે મારે સોડા પીવા જવુ છે’ તેમ કહેતા પાર્થે તેને ‘હું દિવસના નોકરી કરીને થાકી ગયો છું તને મારા ઉપર દયા નથી આવતી?’ તેમ કહેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પાર્થે સોનાલીને અને સોનાલીએ પાર્થને ધકકો માર્યો હતો. આથી પાર્થે સસરા નલીનભાઇને બુમ પાડીને ‘આ સોનાલી મારી સાથે ઝઘડો કરે છે’ તેમ કહેતા સસરાએ સાવરણી લઇને અને પતિએ લાકડી લઇને સોનાલીને મારી હતી.
મારામારી અને બુમાબુમ થતા આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને વધુ મારથી છોડાવી હતી પરંતુ ત્યારબાદ સસરાએ પુત્રવધુને ઘરમાંથી કાઢી મૂકી હતી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેથી સોનાલીએ દરવાજો ખખડાવીને ‘મારો મોબાઇલ ફોન તો મને આપી દો’ તેમ કહેતા પતિ અને સસરાએ દરવાજો ખોલ્યો ન હતો. આથી તે ચાલતી -ચાલતી ગામમાં આવી પહોંચી હતી જ્યાં પોલીસની ગાડી ઉભી હતી તેથી સોનાલીએ પોલીસને ઝઘડા વિષે વાત કરી હતી. જેથી પોલીસ તેની ગાડીમાં બેસાડીને સસરાના ઘરે લઇ ગયા હતા અને પોલીસે દરવાજો ખોલાવ્યા બાદ સમજાવ્યા હતા. પરંતુ હવે સોનાલીને પોલીસ ફરિયાદ કરવાની હોવાથી જે તે સમયે રાણાવાવ પોલીસસ્ટેશનમાં ફરિયાદ અરજી આપી હતી અને તે નિવેદનના આધારે હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યુ છે કે તે માવતરે રહે છે અને પતિ પાર્થ નલીન જોષી સસરા નલીન નારણ જોષી, દીયર અમિત નલીન જોષી અને નણંદ સ્મિતા જય ભટ્ટ સામે ગુન્હો નોંધાવતા રાણાવાવ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
