પોરબંદર બસ ડેપોના કંડકટર અને ડ્રાઇવરની પ્રમાણિકતાને બિરદાવવામાં આવી: અધિકારીઓએ પાઠવ્યા અભિનંદન
પોરબંદર એસટી ડેપોના ડ્રાઇવર અને કંડક્ટરે બસમાં મળેલી ચાર લાખથી વધુ ના દાગીના ભરેલી બેગ પરત સોંપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તા. 17-09-2026ના રોજ પોરબંદર ડેપોથી 4:30 કલાકે ઉપડેલી પોરબંદર-ધુનડા રૂટની બસમાં રાણાવાવથી ત્રણ પાટિયા સુધી મુસાફરી કરનાર મહિલા મુસાફર નમીરાબેન ફૈઝલભાઈ ઘોરી પોતાની બેગ બસમાં ભૂલી ગયાં હતાં. બેગમાં આશરે ₹4,00,000/- કિંમતના સોનાના દાગીના, ₹2,000/-ની ચાંદીની ચેઇન તથા ₹2,000/- રોકડ, મળી કુલ આશરે ₹4,04,000/-ની કિંમતી માલમતા હતી.
બસનો રૂટ પૂર્ણ થયા બાદ ફરજ પરના કંડક્ટર નેભાભાઈ એ. છુછર તથા ડ્રાઇવર માલદેભાઈ એન. ડાકીને બસ માંથી બેગ મળી આવી હતી. બંને કર્મચારીઓએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી તાત્કાલિક સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને જાણ કરી હતી. સ્ટેન્ડ ઇન્ચાર્જના માર્ગદર્શન મુજબ બેગમાંથી મળેલા સંપર્ક નંબરના આધારે મુસાફરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
મુસાફરે બેગ પોતાની હોવાનું નિશ્ચિત કર્યા બાદ તેમના સસરા ઇનાયતખાન જાફરખાન ઘોરીને પોરબંદર બસ સ્ટેશન ખાતે મોકલ્યા હતા. ત્યારબાદ એ.ટી.આઇ. આર.આર. ઓડેદરાની રૂબરૂમાં કંડક્ટર નેભાભાઈ છુછર તથા ડ્રાઇવર માલદેભાઈ એન. ડાકી દ્વારા દાગીના અને રોકડ રકમ સહિતની સમગ્ર બેગ તેમના સગાને પરત કરવામાં આવી હતી.આ પ્રસંગે મુસાફર નમીરાબેન દ્વારા ભાવવિભોર થઈ એસટી તથા ટીમ પોરબંદરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં વિભાગીય નિયામક વી.બી. ડાંગર, વિભાગીય યાંત્રિક ઇજનેર એન.બી. વરમોરા, વહીવટી અધિકારી ડી.યુ. વાઘેલા, પરિવહન અધિકારી મુકેશ સોલંકી તથા પોરબંદર ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા કંડક્ટર, ડ્રાઇવર સહિત સમગ્ર ટીમ પોરબંદરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કિંમતી માલમતા પ્રત્યે કોઈપણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વિના તેને સુરક્ષિત રાખી મૂળ માલિક સુધી પરત પહોંચાડનાર કંડક્ટર અને ડ્રાઇવરની આ કામગીરી એસટી ના કર્મચારીઓની પ્રામાણિકતા, ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
ટીમ પોરબંદરની આ નિષ્ઠાવાન કામગીરીથી ગુજરાત એસ.ટી. નિગમની મુસાફર સેવા સાથે વિશ્વાસની પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી મળી છે અને પોરબંદર ડેપોના ગૌરવમાં વધુ એક ઉમેરો થયો છે.
