પાલખડા ગામે પશુના ઘાસચારા માટે પશુપાલકોને રહેવું પડે છે ભૂખ્યું!!

સ્ટાફ સમયસર હાજર રહેતો નહીં હોવાથી લોકોને મુશ્કેલી: કોંગ્રેસના આગેવાનો દોડી ગયા બાદ રોષ સાથે થઈ રજૂઆત

પોરબંદરના પાલખડા ગામે પશુઓ માટેનો ચારો સમયસર અપાતો નથી જેના કારણે પશુઓ તો ઠીક પરંતુ તેના માલિકોને પણ ભૂખ્યા રહેવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે તેથી રોષ સાથે રજૂઆત થઈ હતી.
આ અંગે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના પાલખડા ખાતે સરકાર દ્વારા ઘાસચારા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. ત્યારે વડાળા અને કુછડી ગામના ખેડૂતો અને માલધારી ભાઈઓ સવારે 6:00 વાગ્યાથી ઘાસચારા માટે આવી પહોંચ્યા હતા, પરંતુ સરકારી સ્ટાફ હાજર ન હોવાના કારણે તેઓ ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા હતા.એક જાગૃત ખેડૂતે સવારે 11:30 વાગ્યે ફોન દ્વારા આ અંગે જાણ કરતા નાથાભાઈ ઓડેદરાએ તાત્કાલિક પ્રાંત અધિકારી જાદવ ને જાણ કરી હતી અને ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા તેમજ સ્ટાફને સ્થળ પર મોકલવા રજૂઆત કરી હતી.તેઓ પોતે પણ તાત્કાલિક પાલખડા ખાતે પહોંચી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ તેઓ સ્થળ પર પહોંચ્યા બાદ સરકારી સ્ટાફ બપોરે 12:30 વાગ્યે પહોંચ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.નાથાભાઈ ઓડેદરા દ્વારા દરમિયાનગીરી કરીને ખેડૂતો અને માલધારીઓ માટે ખડની યોગ્ય વ્યવસ્થા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરાવવામાં આવી હતી અને ખેડૂતોને શાંત પાડવામાં આવ્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો અને માલધારીઓની પડખે કોંગ્રેસ પાર્ટી હંમેશા ઉભી છે અને જ્યારે પણ ખેડૂતોને જરૂર પડશે ત્યારે કોંગ્રેસ પાર્ટી તેમની સાથે જ રહેશે.

રિલેટેડ ન્યૂઝ