ભાણવડ નજીક ગુલાબ સાગર ડેમમાં મુક્ત કરવામાં આવ્યો
પોરબંદરના અડવાણા ગામે વાડી વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
અડવાણા ગામના વાડી વિસ્તારમાં ગત રાત્રિના આશરે 8 વાગ્યે અંદાજે 5.5 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં કલ્પેશ ડાંગર, ભરત ડાંગર, શૈલેષભાઈ અને વિક્રમભાઈ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સ્થાનિક લોકોના સહયોગથી સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.ત્યારબાદ ભાણવડના એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈના સહયોગથી મગરને ભાણવડના ગુલાબસાગર ડેમ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
રેસ્ક્યૂ ટીમે જણાવ્યું હતું કે હાલ ડેમમાં પાણીનું પ્રમાણ ઘટતાં પાણીની અછત સર્જાઈ છે. પાણીનું સ્તર ઘટવાથી મગરને પાણી અને ખોરાકની શોધમાં પોતાના કુદરતી રહેઠાણથી દૂર વાડી વિસ્તાર તરફ આવવાની સંભાવના છે. મગરના અસ્તિત્વ માટે પાણી, યોગ્ય રહેઠાણ અને પૂરતો કુદરતી ખોરાક મહત્વપૂર્ણ છે.મગર જોવા મળે ત્યારે ગ્રામજનોએ તેની નજીક ન જવું, તેને પકડવાનો કે હેરાન કરવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગ અથવા માન્ય રેસ્ક્યૂ ટીમને જાણ કરવી જોઈએ. વન્યજીવો સાથે માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે સાવચેતી અને જાગૃતિ જરૂરી છે.
