બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત બાળકોના વાલીઓ સાથે સંવાદ કરી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું: પોરબંદર જિલ્લામાં સાક્ષરતાનો દર 72 ટકા જેટલો છે તેને વધારવા માટે પણ પ્રયાસો થશે
પોરબંદર જિલ્લામાં 378 જેટલા બાળકો શાળા છોડીને ચાલ્યા ગયા હતા જેનું પુન: નામાંકન કરવામાં આવ્યું છે.
સેવા સંકલ્પ અભિયાન અને વિકસિત ભારત-2026 અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત શાળામાંથી અભ્યાસ છોડી ગયેલા બાળકોને પુન: શાળામાં પ્રવેશ અપાવવા તથા તેમના સન્માન માટેનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાના અધ્યક્ષસ્થાને પોરબંદરની બાલુબા વિદ્યાલય ખાતેના રાધિકા હોલમાં યોજાયો હતો.આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં શાળામાંથી અભ્યાસ છોડી ગયેલા 378 બાળકોનું પુન: શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનના ’વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવા માટે શિક્ષણ એ મૂળભૂત પાયો છે. હાલમાં જિલ્લાનો સાક્ષરતા દર આશરે 72% જેટલો છે, જેને 100% સુધી પહોંચાડવા માટે સમગ્ર તંત્ર અને સમાજે મળીને સઘન પ્રયાસો કરવા પડશે.
વધુમાં તેમણે છેલ્લાં 3-4 વર્ષ દરમિયાન સામાજિક, કૌટુંબિક કે આર્થિક પરિસ્થિતિ જેવા વિવિધ કારણોસર શાળા છોડી ગયેલા બાળકો શોધીને તેમને ફરી શાળામાં દાખલ કરાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે બાળકો તથા તેમના વાલીઓ સાથે સંવાદ યોજી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ બાળકો અભ્યાસ અધવચ્ચે ન છોડે અને નિયમિત રીતે શાળામાં હાજરી આપે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બાળકોને શિક્ષણ સાથે સતત જોડાયેલા રાખવા અને તેમના સર્વાંગી વિકાસ વાલીઓની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ સમગ્ર શિક્ષા અભિયાનની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન સુડાવદરા, નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ લખમણભાઈ ઓડેદરા, પ્રચાર્ય અલ્તાફ રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમાર સહિત શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ, બાળકો તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છેકે સમગ્ર શિક્ષા અંતર્ગત વર્ષ 2026-27 માટે ડ્રોપ આઉટ થયેલા બાળકોને ફરીથી શાળામાં પરત લાવવાના હેતુથી પોરબંદર જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના નોંધાયેલા ડ્રોપ આઉટ બાળકોમાંથી અત્યાર સુધીમાં 1425 બાળકોને સફળતાપૂર્વક શિક્ષણના મુખ્ય પ્રવાહમાં દાખલ કરવામાં આવ્યા છે. અને બાળકોને પુન: સ્કૂલમાં લાવવા માટેની કામગીરી ચાલુ છે.
