શાળામાં મોડેલ યુવા ગ્રામસભાનું થયું આયોજન
પોરબંદરમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે યુવા ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
પી.એમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદર ખાતે ટુરીઝમ લેબમાં મોડેલ યુવા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રક્રિયા, નેતૃત્વ, નાગરિક જવાબદારી અને ગ્રામ વિકાસ અંગે પ્રાયોગિક સમજ કેળવવાના હેતુથી યોજાયેલી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ગ્રામસભાની વિવિધ ભૂમિકાઓ ભજવી સમગ્ર કાર્યવાહીનું જીવંત નિદર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા મુખ્ય અતિથિ તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય સુરેશભાઈ દ્વારા બંને મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાડી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોડેલ ગ્રામસભા દરમિયાન વિદ્યાર્થીઓએ ગ્રામ વિકાસ, શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ, પાણી સંરક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાની ભૂમિકાઓ ભજવી ગ્રામસભાની કાર્યવાહીનું સુંદર પ્રસ્તુતીકરણ કર્યું હતું.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આચાર્ય સુરેશ ભાઈના માર્ગદર્શન હેઠળ ઓમબીર યાદવ, લલિતકુમાર, સતારામ, વિજય ભાઈ તથા ડો. કૃપાલકુમાર બી. સમગ્ર સામાજિક વિજ્ઞાન વિભાગે ટીમ વર્ક નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સાથે સહિત સમગ્ર શાળા સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ પણ ભારે મહેનત અને ઉત્સાહથી ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો.
કાર્યક્રમના સમાપન પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારીએ મોડેલ યુવા ગ્રામસભાના હેતુ અને મહત્વ અંગે માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ લોકશાહી વ્યવસ્થામાં યુવાનોની સક્રિય ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.અંતે શાળાના સિનિયર શિક્ષક કે. એસ. યાદવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે મહાનુભાવો, આચાર્ય, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, શિક્ષકોના માર્ગદર્શન અને સમગ્ર શાળા પરિવારના સહયોગથી મોડેલ યુવા ગ્રામસભા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
