પેન્શનના કેસોનો સમય મર્યાદામાં નિકાલ કરવા માટે આપવામાં આવી સૂચના
પોરબંદરમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે અને પ્રજાલક્ષી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.બેઠકમાં પેન્શનના કેસો સમયમર્યાદામાં તૈયાર કરી તેનો યોગ્ય નિકાલ થાય તે અંગે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, નાગરિકો દ્વારા વિવિધ કામો માટે કરવામાં આવતી અરજીઓનો સમયસર નિકાલ થાય અને વિકાસલક્ષી કામોમાં સંબંધિત વિભાગો વચ્ચે સંકલન કરીને ઝડપથી નિરાકરણ લાવવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણી, ડી.આર.ડી.એના નિયામક રેખાબા સરવૈયા, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, એસ.પી ભગીરથસિંહ જાડેજા તથા અન્ય વિભાગ-કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
