કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ અંગે મેળવી જાણકારી: અધિકારીઓને આપી જરૂરી સુચના
પોરબંદર નજીક ઓડદર ખાતે આકાર રહી રહેલ સર્વોદય વન પ્રોજેક્ટની મંત્રીએ મુલાકાત કરીને સ્થળ સમીક્ષા કરી હતી.
પોરબંદર જિલ્લાના ઓડદર ખાતે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલા સર્વોદય વન પ્રોજેક્ટની વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીની પ્રગતિ તેમજ ગુણવત્તાની સમીક્ષા કરી હતી. મંત્રીએ સ્થળ મુલાકાત દરમિયાન પ્રોજેક્ટના વિવિધ ભાગોમાં ચાલી રહેલી કામગીરી, વનીકરણ, વિવિધ થીમ આધારિત વન વિસ્તારોના વિકાસ, ઊભી કરવામાં આવનાર સુવિધાઓ સહિતની બાબતે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.મંત્રીએ પ્રોજેક્ટની કામગીરીમાં નિર્ધારિત માપદંડો અનુસાર કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે બાબતે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ વનની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ સહિતની બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે ઓડદર ખાતે વિકસાવવામાં આવી રહેલા સર્વોદય વનમાં મહાત્મા વન, માતૃવન, સત્ય અહિંસા વન, શાંતિ વન, બરડા વન કુંજ, ઔષધિ વન અને મિશન લાઈફ ગાર્ડન જેવા વિવિધ થીમ આધારિત વિસ્તારો વિકસાવવામાં આવશે. આ ઉપરાંત સિટી ગાર્ડન, ગ્રામ સ્ટોલ, કૃષ્ણ સુદામા વાટિકા, પ્રાકૃતિક રમત-ગમત વિસ્તાર, સી વ્યુ ગાર્ડન, રોક ગાર્ડન, ગ્રામ સ્વરાજ, કફેટેરિયા, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ એરિયા, પાર્કિંગ એરિયા તથા સી 57 વન કેડી સહિતની સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં સર્વોદય વનના મુખ્ય દ્વાર, સ્વાગતમ પરિસર અને ઇન્ફોર્મેશન એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. વિવિધ થીમ આધારિત વન વિસ્તારો અને હરિયાળી વિકસાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલી કામગીરીથી નાગરિકોને પ્રકૃતિ સાથે જોડાવા માટેનું સુવિધાયુક્ત સ્થળ ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક પર્યાવરણ અને જૈવવિવિધતાને પ્રોત્સાહન મળશે.આ મુલાકાત દરમિયાન પોરબંદરના મેયર સાગરભાઇ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી ડી. બી.ચૌધરી, ,વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, એ. સી. એફ. નીરવ મકવાણા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પોરબંદર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા તેમજ વન વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
