1000ને નિમંત્રણ..32ની હાજરી… 4ને રોજગારી!

પોરબંદરમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો: જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા થયું આયોજન

પોરબંદરમાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવતા 1000 થી વધુ લોકોને નિમંત્રણ પાઠવાયું હતું જેમાંથી 32 જેટલા ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ચારની પ્રાથમિક પસંદગી થઈ હતી.
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઈ.ટી.આઈ., પોરબંદર ખાતે નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુ ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભરતી મેળા અંતર્ગત પોરબંદર જિલ્લાના 1,000થી વધુ ઉમેદવારોને ઈ-મેલ તથા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 32 ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા તરીકે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, કે.એ. રાઈચુરા એન્ડ કંપની તથા દ્વારિકેશ પાવરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નોકરીદાતાઓ દ્વારા તેમના એકમો તથા સંસ્થાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, જોબ પ્રોફાઈલ, જરૂરી લાયકાત અને અન્ય વિગતો અંગે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તથા આવડતને આધારે 4 રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે બીજા રાઉન્ડના ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરીના જુનિયર રોજગાર અધિકારી તથા કાઉન્સેલરશ્રીઓ દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના, મોડેલ કેરિયર સેન્ટર અને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ અંગે માહિતી આપી તેનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમારના માર્ગદર્શન અને સંકલન હેઠળ સમગ્ર ભરતી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ